ખ્યાતિ હોસ્પિટલ PMJAY કૌભાંડ: આરોગ્ય વિભાગના 3 કર્મચારીની ધરપકડ, ખોટી રીતે આયુષ્યમાન કાર્ડ કરતા હતા એપ્રૂવ
Khyati PMJAY Scam: અમદાવાદના ખ્યાતિ હૉસ્પિટલકાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. જેમાં રોજે રોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો હતો કે ખ્યાતિ હૉસ્પિટલમાંથી દર્દીઓના ખોટા આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવતા હતા, જેની ઉંડાણ પૂર્વક તપાસ કરતાં ક્રાઇમ બ્રાન્ચને ગાંધીનગર આરોગ્ય વિભાગના કેટલાક કર્મચારીઓની સંડોવણી હોવાની કડી મળી હતી. જે મુદ્દે પુરવા મળતાં ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારે (26મી ડિસેમ્બર) મોડીરાતે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી છે. જ્યારે બે કર્મચારીઓની પૂછપરછ હાથ ધરાઈ છે. આ ઉપરાંત આ મામલે ડોકટર સહિત વધુ ત્રણની ધરપકડ કરી છે.
કાર્ડ દીઠ ફિક્સ રકમ પણ મળતી
મળતી માહિતી અનુસાર, મિલાપ પટેલ આરોગ્ય વિભાગમાં 2017થી કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો. મિલાપનું કામ આયુષ્માન કાર્ડ એપ્રૂવ કરવાનું હતું. આ મહત્ત્વની જવાબદારીનો ગેરલાભ ઊઠાવી તેણે લાખોની સંખ્યામાં ખોટા આયુષ્માન કાર્ડ એપ્રૂવ કર્યા હોવાનો ખુલાસો થયો છે. મિલાપને કાર્ડ દીઠ એક ફિક્સ રકમ પણ મળતી હતી. મિલાપની આ ગેરરિતીથી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
આ પણ વાંચો: રાજકોટમાં કન્ટેનર ચાલકે વિદ્યાર્થિનીને મારી ટક્કર, સારવાર દમિયાન થયું મોત
સૂત્રોના જણાવ્યાનુસાર, બોગસ આયુષ્માનકાર્ડના કૌભાંડમાં જોડાયેલા આરોપીઓએ ખ્યાતિ હૉસ્પિટલના 150 કાર્ડ કઢાવી આપ્યા હતા, જેમાં ખાસ કરીને જ્યાં કેમ્પ થતા અને જે લોકો સારવાર માટે આવતા અને જેમની પાસે કાર્ડની વ્યવસ્થા નહોતી તેમને આ કાર્ડ બનાવી આપ્યા હતા. તેમની સારવાર પણ આ કાર્ડની લિમિટના આધારે થઈ હોવાનું જાણવા મળ્યું છે.
કેવી રીતે ખુલ્યું મિલાપ પટેલનું નામ?
થોડા દિવસ પહેલા ખોટી રીતે આયુષ્યમાન કાર્ડ કાઢી આપતી ગેંગ ઝડપાઈ હતી. જે આરોપીઓની પૂછપરછમાં મિલાપ પટેલના નામનો ખુલાસો થયો હતો. જેથી ક્રાઈમ બ્રાન્ચ તે દિવસથી આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલ સહિતના શંકાસ્પદ કર્મચારીઓ પર નજર રાખીને બેઠું હતું અને યોગ્ય પુરાવા મળતાં તેની ધરપકડ કરી લેવાઈ.
કાર્ડના સોદાગરો મહિને રૂ. 40થી 50 હજાર કમાતા
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી આયુષ્માન કૌભાંડમાં અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરી છે. જે આરોપીઓ સામાન્ય લોકોના ડેટાને એડિટ કરીને બીજાના નામ ઘુસાડી દેતા હતા અને તેમના આયુષ્માન કાર્ડ અને સરકારી યોજનાના કાર્ડ બનાવી આપતા હતા. આરોપીઓ મહિને 40થી 50 હજાર રૂપિયા જેટલું કમાતા હતા.
ડોકટર સહિત વધુ ત્રણ લોકોની ધરપકડ
PMJAY યોજનાના કૌંભાડમાં પોલીસે, ડોકટર સહિત વધુ ત્રણ લોકોની ધરપકડ કરી છે. PMJAYના જનરલ મેનેજર ડો.શૈલેષ આનંદ, PMJAY ના પ્રોજેક્ટ ઓપરેટર મિલાપ પટેલ અને એન્સર કંપનીના ગુજરાત હેડ નિખિલ પારેખની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. ડો. શૈલેષ આનંદ હાલમાં ખેડા જિલ્લાના વસો સીએચસી સેન્ટરમાં ફરજ બજાવે છે. ખ્યાતિ હોસ્પિટલના વિવાદીત કાંડ બાદ બીજા દિવસે ડો. શૈલેષ આનંદની બદલી થઈ હતી. PMJAYના પ્રોજેક્ટ ઓપરેટર મિલાપ પટેલ કોન્ટ્રાકથી આરોગ્ય વિભાગમાં કામ કરતો હતો. મિલાપ પટેલ અને ડો.શૈલેષ આનંદ સાથે મળી કામ કરતા હતા. ડો.શૈલેષ આણંદ અને મિલાપ પટેલ સાથે મળી PMJAY યોજનાના કાર્ડને એપ્રુવ કરતા હતા.
આ પણ વાંચો: CA ફાઇનલનું પરિણામ જાહેર: અમદાવાદની રિયા શાહ સમગ્ર ભારતમાં બીજા નંબરે આવી
એન્સર કંપનીના ગુજરાત હેડ નિખિલ પારેખની જવાબદારી આયુષ્માન કાર્ડના રેફરન્સ નંબરને વેરિફાઈ કરવાનું હતું. નિખિલ તેના માસ્ટર આઈડી અન્ય લોકોને આપી રૂપિયા મેળવતો હતો. આ પ્રકરણમાં આરોગ્ય વિભાગના અન્ય બે શંકાસ્પદ કર્મચારીઓની પૂછપરછ ચાલુ છે. દસ દિવસ પહેલાં ખોટી રીતે આયુષ્યમાન કાર્ડ કાઢી આપતી ગેંગ પકડાઈ હતી.