જામનગરમાં આરોગ્ય કેન્દ્રના કર્મચારીનો ગળાફાંસા દ્વારા આપઘાત, પત્ની રિસાઈને માવતરે ચાલી જતાં ભર્યું પગલું
Jamnagar Suicide : જામનગરમાં પટેલ પાર્કમાં રહેતા અને નીલકંઠ નગર આરોગ્ય કેન્દ્રમાં કેશબારીમાં ઓપરેટર તરીકે નોકરી કરતા એક કર્મચારીએ પોતાની પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. પત્ની રિસાઈને ચાલી ગઈ હોવાથી આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ પાર્કમાં રહેતા અને નીલકંઠ નગર આરોગ્ય કેન્દ્રમાં કેસ બારી પર બેસતા હંગામી કર્મચારી જીગરભાઈ ગીરીશભાઈ સોલંકી નામના 26 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેના પિતા ગીરીશભાઈ વગેરે 108 ની ટીમને બોલાવી હતી, અને 108ની ટીમે જીગરભાઈને નીચે ઉતારીને તપાસણી કરતાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા ગિરીશભાઈ કાળાભાઈ સોલંકીએ પોલીસને જાણ કરતાં પીએસઆઇ એલ.બી.જાડેજા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને જીગર સોલંકીના મૃતદેહનો કબ્જો સાંભળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ થઈ હતી.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતકના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા. દરમિયાન તેની પત્ની માનસીબેન કે જે છેલ્લા એકાદ માસ પહેલાં પતિ સાથે ઝઘડો થયો હોવાથી રિસાઈને માવતરે ચાલી ગઈ હતી. જેનું મનમાં લાગી આવતાં પોતે ગુમસુમ રહ્યા પછી ગળાફાંસા દ્વારા આપઘાતનું પગલું ભરી લીધું હતું. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.