Get The App

પેટલાદ ટાઉન પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ 3.63 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
પેટલાદ ટાઉન પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ 3.63 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો 1 - image


- રંગાઈપુરા પંચવટી પાર્ક વાડિયા વિસ્તારમાં પોલીસ કર્મીના ઘરે એલસીબીનો દરોડો

- પેટલાદના બૂટલેગરે બહારથી 240 બોટલ દારૂ મંગાવી પોલીસ કર્મીના ઘરે ઉતરાવ્યો હતો : હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી અન્ય 3 શખ્સો સહિત 4 સામે ગુનો દાખલ 

આણંદ : પેટલાદ ટાઉન પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કર્મચારીના ઘરમાં દરોડો કરી આણંદ એલસીબીએ રૂ.૩.૬૩ લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. પેટલાદમાં રહેતા બુટલેગરે બહારથી વિદેશી દારૂ મંગાવી પોલીસ કર્મીના ઘરે ઉતાર્યો હતો. એલસીબીએ હેડ કોન્સ્ટેબલની અટક કરી, હેડ કોન્સ્ટેબલ સહિત ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી અન્ય ત્રણ શખ્સોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.   

પેટલાદના કલાલ પીપળમાં રહેતો મોહસીનમિયાં લીયાકતમિયાં ઉર્ફે એલ. કે. મલેક ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બહારથી લાવી, સાગરિતો મારફતે પેટલાદ-સુણાવ રોડ ઉપર રંગાઈપુરા પંચવટી પાર્ક વાડિયા વિસ્તારમાં રહેતા અને પેટલાદ ટાઉન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સુનિલકુમાર જશભાઈ મકવાણા (ઉં.વ. ૪૨)ના ઘરે ઉતાર્યો હોવાની બાતમી આણંદ એલસીબીને મળી હતી. 

બાતમીના આધારે એલસીબીએ દરોડો કરી ઘરમાં તપાસ કરતા અલગ અલગ જગ્યાઓએથી ૨૦ પેટીમાંથી વિદેશી દારૂની ૨૪૦ બોટલો મળી આવી હતી. એલસીબીએ હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાની અટકાયત કરી, રૂ.૩,૬૩,૩૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ પેટલાદ ટાઉન પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ, મોહસીનમિયાં લીયાકતમિયાં ઉર્ફે એલ. કે. મલેક, મોઈનમીયાં મુનાફમીયાં મલેક અને તોસીફ ઉર્ફે રાજુ અનવરમીયાં મલેક (બંને રહે. શેરપુરા, પેટલાદ) સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

દારૂ સાથે ઝડપાયેલા હેડ કોન્સ્ટેબલને બૂટલેગરના દીકરા મોહસીન સાથે મિત્રતા હતી. જેથી પોલીસવાળાને ત્યાં જ દારૂ રાખવામાં આવે તો ત્યાં રેડ ન પડે તેવા આશયથી મોહસીને ઘરમાં દારૂ રખાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. 


Google NewsGoogle News