ખેડામાં કાર સાથે નિલગાય અથડાતા હેડ કોન્સ્ટેબલ અને તેમના માતાનું મોત
- પત્ની, 2 સંતાનો સહિત 4 વ્યક્તિને ઈજા
- મહેમદાવાદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પરિવાર સાથે કાસોર મંદિરેથી દર્શન કરી ઘરે પરત ફરી રહ્યા હતા
મહેમદાવાદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શંકરભાઈ પરસોત્તમભાઈ સોલંકી (ઉં.વ.૪૫) મંગળવારે પત્ની આશાબેન, માતા શારદાબેન (ઉં.વ.૬૫), દીકરી મમતા (ઉં.વ.૧૬), દીકરો મહીપાલ (ઉં.વ.૧૩) અને બહેન અનસયાબેન જીતુભાઈ સોઢા (ઉં.વ.૪૪) કારમાં કાસોર મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી તેઓ રાત્રે મહેમદાવાદ પરત ફરી રહ્યાં હતાં.
ત્યારે મોડી રાત્રે સવા અગિયાર વાગ્યા આસપાસ ખેડા કેમ્પ એસપીના જૂના બંગલા પાસે અચાનક નિલગાયોનું ટોળું દોડીને તેમની તરફ આવી કાર સાથે અથડાયું હતું. પરિણામે કારચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે અથડાતા કારનો ભુક્કો બોલી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત શંકરભાઈ અને તેમના માતા શારદાબેનનું મોત નિપજ્યું હતું.
જ્યારે પત્ની, બંને સંતાનો અને બહેનને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હેડ કોન્સ્ટેબલનું મોત નિપજતા મહેમદાવાદ પોલીસ બેડામાં શોક વ્યાપી ગયો હતો. આ અંગે આશાબેને જાણ કરતા ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.