ગુજરાત હાઈકોર્ટે GPCBને નોટિસ ફટકારી, દરિયાકાંઠે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાનો છે મામલો
HC issues notice For removing Mangroves: ગુજરાત હાઈકોર્ટે દરિયાકાંઠે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટે મેન્ગ્રોવના ઝાડ મોટી સંખ્યામાં કાપી નાખવામાં આવતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) અને અમેરેલીની જિલ્લા ઓથોરિટીને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે જાફરાબાદના દરિયાકાંઠે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટે મોટી સંખ્યામાં મેન્ગ્રોવના ઝાડ કાપી નખાયા હોવાની પીઆઈએલ (PIL)ને ધ્યાનમાં લેતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) અને અમેરિલી જિલ્લા ઓથોરિટીને નોટિસ આપી જવાબ માંગ્યો છે. આ પીઆઈએલ જાફરાબાદના હરેશ બાંભણિયા દ્વારા કરવામાં આવી હતી.
બાંભણિયાએ પીઆઈએલ મારફત જણાવ્યું છે કે, થોડા દિવસ પહેલાં ડિસેમ્બર-23માં અમુક લોકોએ આ વિસ્તારમાં મેન્ગ્રોવના ઝાડ કાપી જગ્યાને સમતળ બનાવી ત્યાં ક્રિકેટ પીચ બનાવી દીધી છે. જો કે, આ વિસ્તાર કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) હેઠળ આવતો હોવાથી પર્યાવરણના કાયદા અંતર્ગત તેને આ પગલું લેવાની મંજૂરી નથી.
અરજદારના કાઉન્સેલે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા મેન્ગ્રોવના ઝાડ દૂર કરાયા હોવાની અરજી રજૂ કરી છે. અગાઉ તેણે આ ફરિયાદ મામલતદાર સમક્ષ રજૂ કરી હતી. તેઓ આ ફરિયાદ લઈ જિલ્લા કલેક્ટર સમક્ષ પહોંચ્યા હતા. પરંતુ તેઓએ કોઈ પગલું લીધુ ન હતું.
જાફરાબાદનો દરિયાઈ વિસ્તાર CRZ-1 હેઠળ આવતો હોવાથી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધ માયીની બેન્ચે જીપીસીબી અને જિલ્લા ઓથોરિટી પાસે આ મામલે નોટિસ આપી જવાબ મગાવ્યો છે.