હજીરાની પાંચ વર્ષની બાળા સાથે દુષ્કર્મ હત્યા કેસમાં કેસ કાર્યવાહી રોજેરોજ ચાલશે
એપ્રિલ-2021 માં શ્રમિક પરિવારની દીકરીના અપહરણ બાદ દુષ્કર્મ કરી માથે ઇંચના ઘા મારી ગળું દબાવી હત્યા કરાઇ હતીે
સાત મહિના પહેલા કેસમાં સ્પીડી ટ્રાયલ ચલાવાશે
સુરત
એપ્રિલ-2021 માં શ્રમિક પરિવારની દીકરીના અપહરણ બાદ દુષ્કર્મ કરી માથે ઇંચના ઘા મારી ગળું દબાવી હત્યા કરાઇ હતીે
આજથી સાતેક મહીના પહેલાં હજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર પાંચ જ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપી પરપ્રાંતીય યુવાન વિરુધ્ધ આજે પોક્સો કેસોની ખાસ અદાલતમાં સ્પીડી ટ્રાયલ ચલાવવાની નેમ સાથે રોજે રોજ કેસ કાર્યવાહી ચલાવવામાં આવે તેવા સંકેતો સાંપડયા છે.આ કેસમાં અગાઉ ચાર સાક્ષી બાદ આજે ત્રણ સાક્ષી તપાસાયા બાદ આવતી કાલે વધુ દશ પંચ સાક્ષીઓને સમન્સ ઈસ્યુ કરવામાં આવ્યા છે.
હજીરાગામના રહેતા શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની બાળકીને તા.30-4-21ના રોજ મૂળ મધ્યપ્રદેશના રેવા જિલ્લાનો વતની 27 વર્ષીય આરોપી સુજીત મુન્નીલાલ સાકેત (રે. માતા ફળીયું, હજીરાગામ) બદકામ કરવાના ઈરાદે અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ,સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરીને ઈંટથી માથાના ભાગે ઘા મારીને ગળું દબાવી હત્યા કરી હતી.ભોગ બનનાર બાળકીના ફરિયાદી પિતાએ આરોપી યુવાન વિરુધ્ધ હજીરા પોલીસમાં પોક્સો એક્ટના ભંગ બદલ નોંધાવલેી ફરિયાદના આધારે આરોપી સુજીત સાકેતની ધરપકડ કરી જેલભેગો કરવામાં આવ્યો હતો.
આ કેસમાં હજીરા પોલીસે 8-6-2ના રોજ ચાર્જશીટ રજુ કરતાં સરકારપક્ષે દસ્તાવેજી પુરાવાના લીસ્ટ તથા કુલ 43 સાક્ષીઓનું લીસ્ટ કોર્ટમાં સુપરત કરી ચાર્જફ્રેમની કાર્યવાહી હાથ ધરી હતી.અગાઉ આ કેસમાં ત્રણ પંચ સાક્ષીઓની તપાસ બાદ આજે વધુ ચાર સાક્ષીઓ ની સરકારપક્ષે સરતપાસ તથા ઉલટ તપાસ હાથ ધરી હતી.જેથી પોક્સો કેસોની ખાસ અદાલતે આ કેસના આરોપી વિરુધ્ધ પણ સ્પીડી ટ્રાયલ ચલાવવાની નેમ સાથે આ કેસની કાર્યવાહી રોજે રોજ ચલાવવા નિર્દેશ આપ્યો છે.જેથી સરકારપક્ષે આરોપી વિરુધ્ધ અત્યાર સુધીમાં કુલ 43 સાક્ષીઓ પૈકી પુનરાવર્તિત થતાં સાક્ષીઓને બાકાત રાખી ફરિયાદપક્ષના કેસ માટે મહત્વના એવા કુલ 29 જેટલા સાક્ષીઓને તપાસવામાં આવે તેવો નિર્દેશ આપ્યો છે.આ કેસમાં આવતી કાલે કુલ દશ જેટલા પંચ સાક્ષીઓની સરતપાસ તથા ઉલટ તપાસ હાથ ધરીને કેસનો ઝડપી નિકાલ લાવવામાં આવે તેવી સંભાવના વર્તાઈ રહી છે.
પાંડેસરાની
અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ હત્યા કેસના તપાસ અધિકારીની જુબાની પુરી
પાંડેસરા-વડોદના શ્રમજીવી પરિવારની અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરીને હત્યા કરવાના ગુનામાં સુરત પોલીસે જેલભેગા કરેલા આરોપી ગુડ્ડુકુમાર મધેશ યાદવની વિરુધ્ધ ચાલતી કેસ કાર્યવાહીની આજની મુદતે તપાસ અધિકારીની સરતપાસ તથા ઉલટ તપાસ આજે પુરી થતાં પોક્સો કેસોની ખાસ અદાલતના જજ પી.એસ.કાલાએ વધુ સુનાવણી આગામી તા.1 લી ડીસેમ્બરના રોજ હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.
પાંડેસરાની અઢી વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર મૂળ બિહારના વતની આરોપી ગુડ્ડુકુમાર યાદવ વિરુધ્ધ પોક્સો કેસોની ખાસ અદાલતમાં સ્પીડી ટ્રાયલથી કેસ કાર્યવાહી ચાલી રહી છે.ગઈકાલે આ કેસમાં 9 સાક્ષીઓની જુબાની પુરી થયા બાદ તપાસ અધિકારીની જુબાની અધુરી રહેતા કોર્ટે વધુ સુનાવણી આજે હાથ ધરવા નિર્દેશ આપ્યો હતો.જેથી સરકારપક્ષે આ કેસમાં બાકી રહેલા તપાસ અધિકારીની સરતપાસ તથા ઉલટ તપાસ આજે પુરી કરી સરકારપક્ષના કુલ 62 પૈકી અત્યાર સુધીમાં 43 સાક્ષીઓની જુબાની માત્ર ચાર જ કોર્ટ કાર્યવાહીની મુદતમાં પુરી કરી લીધી છે.સરકારપક્ષે બાકીના કેટલાક સાક્ષીઓ રીપીટ થતાં હોઈ તેમને પડતાં મુકીને આગામી તા.1 લી ડીસેમ્બરના રોજ આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ તથા દલીલો હાથ ધરીને ટુંકાગાળામાં ચુકાદો જાહેર કરવાની તજવીજ હાથ ધરી છે.