બીજાનું અનુકરણ ન કરો, મન કહે તે કરો, વડોદરાની હર્ષિતાએ UPSCમાં દેશમાં બીજો ક્રમ મેળવી ઇતિહાસ રચ્યો
UPSC Results : યુપીએસસીના આજે જાહેર થયેલા પરિણામમાં સમગ્ર ભારતમાં બીજો ક્રમ મેળવનાર હર્ષિતા ગોયલ વડોદરાની રહેવાસી છે. તેણે એમ.એસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાંથી 2020માં ડિગ્રી મેળવી હતી. સાથે સાથે વડોદરામાંથી સીએની પરીક્ષા પણ પાસ કરી હતી. યુપીએસસીની પરીક્ષામાં પણ તેણે ઝળહળથી સફળતા મેળવી પોતાનું સ્વપ્ન સાકાર કર્યું છે.
વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી હર્ષિતા ગોયલ યુપીએસસી માટે અમદાવાદની સ્પીપામાં તૈયારી કરી હતી. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે રિઝલ્ટ જાહેર થયા પછી મને વિશ્વાસ નહોતો થતો કે મને આખા ભારતમાં બીજો ક્રમ મળ્યો છે. મારા પરિવારનું નામ રોશન કરવાનો મને ગર્વ છે.
તેણે કહ્યું હતું કે મેં જ્યારે સીએની ડીગ્રી લીધી ત્યાં સુધી યુપીએસસી પરીક્ષા અંગે વિચાર્યું ન હતું. એ પછી મારા પિતાની પ્રેરણાથી મેં સિવિલ સર્વિસનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું હતું. પરીક્ષામાં સફળતા માટે સાતત્યપૂર્ણ તૈયારી જરૂરી છે. ક્યારેક એવો સમય પણ આવતો હોય છે કે જ્યારે વાંચવાનું મન ના થાય. તે વખતે આત્મવિશ્વાસ અને મનોબળ જરૂરી હોય છે. બીજાનું અનુકરણ કરવાનો કે તેની પાછળ ભાગવાનો કોઈ અર્થ નથી તમારે તમારા મનની વાત સાંભળવી જોઈએ.
હર્ષિતાએ કહ્યું હતું કે મેં સોશિયલ મીડિયા બંધ નહોતું કર્યું. એવું નથી કે સોશિયલ મીડિયા પર ઉપયોગી માહિતી પણ ઉપલબ્ધ હોય છે, આવા જ એક એકાઉન્ટના કારણે મને પ્રિલિમ પરીક્ષામાં મદદ મળી હતી. તમારું જો તમારા મન પર નિયંત્રણ હોય તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં વાંધો નથી પણ જો તમે એવું લાગતું હોય કે સોશિયલ મીડિયા ધ્યાન ભટકાવે છે તો તેનો ઉપયોગ ના કરો.