'મજબૂત FIR દાખલ કરવા મુખ્યમંત્રીની સૂચના, કોઈને છોડવામાં નહીં આવે', હોડી દુર્ઘટના મામલે હર્ષ સંઘવી
Vadodara Boat Accident : વડોદરાના હરણી તળાવમાં સર્જાયેલી દુર્ઘટનાની રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. જેને લઈને રાજ્ય સરકારે જિલ્લા મેજિસ્ટ્રેટને દુર્ઘટનાની તપાસના આદેશ સોંપ્યા છે. આ સાથે તેમને 10 દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ પણ આપ્યો છે. ત્યારે બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ તેમણે હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો અને પીડિતોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટના બાદ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે સમગ્ર ઘટના અંગે અને કાર્યવાહી અંગે માહિતી આપી હતી.
12 બાળકો અને 2 શિક્ષિકાઓના દુઃખદ મૃત્યુ, 20 લોકોનો બચાવ થયોઃ હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, 'ન્યૂ સનરાઈઝ બાળકો સ્કૂલના શિક્ષકો સાથે પિકનિક માટે હરણી લેક ઝોન ગયા હતા. જ્યાં લગભગ 4.45 વાગે હરણીના મોટનાથ તળાવમાં હોડી પલટી જતા કરુણ ઘટના બની હતી. આ ઘટનામાં અનેક બાળકો અને શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ સદનસીબે 18 બાળકો અને 2 શિક્ષિકાઓનો બચાવ થયો છે. પરંતુ દુર્ભાગ્યવશ અનેક માતા-પિતાઓએ ભુલકાઓ ગુમાવ્યા છે. 12 બાળકો અને 2 શિક્ષિકાઓનું દુઃખદ મૃત્યુ થયા છે.'
NDRFની ટીમના 60 જવાનો બચાવ કામગીરીમાં લાગ્યા હતાઃ હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ બચાવ કામગીરી અંગે જણાવતા કહ્યું હતું કે, 'ઘટનાના દ્રશ્યો અને બચાવ કાર્યના દ્રશ્યો જોઈને ગુજરાતના પ્રત્યેક પરિવારો એકેએક બાળકનો જીવ કેવી રીતે બચે તેના માટે પ્રાર્થના કરતા હતા. આ ઘટનામાં પોલીસ કમિશનર, કલેક્ટર અને મ્યુની કમિશ્નર ઘટનાની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. NDRFની 2 ટીમોના 60 જવાનોને તાત્કાલિક કામે લગાડી દેવામાં આવ્યા હતા. બાળકોને રેસ્ક્યૂ કરીને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર મળે તે માટે કામગીરી કરી હતી. બાળકોને વહેલીતકે સારવાર મળે તે માટે તંત્રે પ્રયાસ કર્યા હતા. ખાનગી હોસ્પિટલમાં બાળકોને ઝડપથી સારવાર મળે તે માટે પ્રયાસ કર્યા હતા. આ ઘટનામાં વડોદરાના ખાનગી તબીબોએ ખુબ સહકાર આપ્યો જે બદલ આભાર.'
મજબૂત FIR દાખલ કરવા મુખ્યમંત્રીએ સૂચના આપીઃ હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ કાયદાકીય કાર્યવાહી અંગે જણાવતા કહ્યું હતું કે, 'ઘટના બનતા જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તંત્રને કડક સૂચના આપી દેવામાં આવી હતી. વડોદરા હોડી દુર્ઘટનાના આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. મુખ્યમંત્રીએ મજબૂત FIR દાખલ કરવા સૂચના આપી છે. કોઇ બચી ના શકે તેવી FIR નોંધવા આદેશ આપ્યા છે. બાળકોના ગુનેગારોને કડકમાં કડક સજા થાય તે જરૂરી છે. આ ઘટનામાં IPC 304, 308 અને 114 મુજબ ફરિયાદ દાખલ કરી લેવામાં છે. ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરાઈ છે. જ્યારે બે આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. એક આરોપી હાલ હોસ્પિટલમાં દાખલ છે. તો અન્ય આરોપીઓને પકડી પાડવા માટે પોલીસની અલગ અલગ 9 ટીમો બનાવાઈ ચૂકી છે અને કામે લાગી ચૂકી છે. અન્ય ફરાર આરોપીઓને પણ પકડી પાડીશું.'
વડોદરા જિલ્લા કલેક્ટરને તપાસ કરીને 10 દિવસમાં રિપોર્ટ સોંપવા આદેશ કરાયાઃ હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ તપાસના આદેશ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, 'વડોદરાના જિલ્લા કલેક્ટરને તપાસ કરીને 10 દિવસમાં રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવા આદેશ કરાયા છે. તપાસ કરવા કલેક્ટરને જે કાગળ આપવાની જરૂર હોય તે વિવિધ વિભાગોને સૂચના આપી દેવામાં આવી છે. આ ઘટના ખુબ દુઃખદ છે. ઘટનામાં અનેક પરિવારજનોએ ભૂલકા ગુમાવ્યા છે. જેના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યંત ભાવુક થયા છે. બાળકોને ન્યાય મળવો જોઈએ તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે.'
કોન્ટ્રાક્ટર કે પેટા કોન્ટ્રાક્ટર કોઈને નહીં છોડીએઃ હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ ગુનેગારો અંગે કહ્યું કે, 'એક જ માંગ અને એક જ પ્રાર્થના હોય શકે છે કે બાળકોના ગુનેગારોને કડકમાં કડક સજા થાય. હોડીના કોન્ટ્રાક્ટર કે પેટા કોન્ટ્રાક્ટરને નહીં છોડીએ. કોન્ટ્રાક્ટર નહીં બચે, એની જવાબદારી છે. ઈન્સ્પેક્શન કરવું એ લાગતા વળગતા અધિકારીની જવાબદારી છે. હોડી ચલાવનાર એજન્સીની ક્ષતિ પ્રાથમિક રીતે દેખાય આવે છે. લાઈફ ગાર્ડ માત્ર 10 લોકોને જ પહેરાવ્યા હતા. વધારે લોકોને બેસાડવા લાઈફ જેકેટ ન પહેરાવ્યું તે ગુનો છે. સંપૂર્ણ તપાસની કામગીરી ચાલું છે. સીસીટીવી દ્વારા તપાસની કામગીરી શરૂ કરી દેવાઈ છે. સવારે સૌને વધુ માહિતી અપાશે. ફિટનેસ સર્ટી હતું તો કેમ લાઈફ જેકેટ ન પહેરાવ્યું, વધારે લોકોને બેસાડ્યા તે ગુનો છે. જવાબદારો બચી ન શકે તેવી રીતે કાર્યવાહી કરાશે.
હોડીની કેપેસિટી 14 લોકોની છે, વધારે લોકોને બેસાડ્યા હતાઃ હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ હોડીની કેપેસિટી અંગે જણાવ્યું હતું કે, 'પ્રાથમિક દ્રષ્ટીએ નજરે પડે છે કે હોડીની કેપેસિટી 14 લોકોની છે. આગળ 2થી 4 લોકોને બેસવાની જગ્યા છે. જે કોઈ એજન્સી આ કામગીરી કરી રહી છે, તે એજન્સી દ્વારા વધારે લોકોને બેસડાવામાં આવ્યા હતા. આંકડા સાંભળીને ખબર પડી જાય છે કે, જેમણે કોન્ટ્રાક્ટ રાખ્યો છે તેમણે ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડ્યા છે.'