સુરતમાં મોંઘવારી અને બેકારીની વરવી વાસ્તવિકતા, સ્કૂલમાંથી 603 વિદ્યાર્થીએ અભ્યાસ છોડ્યો
Recession-unemployment Diamond industry: સુરત અને ગુજરાતને રોલ મોડલ ગણી દેશમાં અન્ય શહેરોમાં મોડેલ અપનાવવા માટે વાત થાય છે પરંતુ ગુજરાતના સર્વાંગી વિકાસના દાવા વચ્ચે મોંઘવારી અને બેકારીની વરવી વાસ્તવિકતા સુરતમાં બહાર આવી છે.
સુરતની ઓળખ હીરા નગરી છે પરંતુ આ હીરાના ધંધામાં મંદી છે અને દિવાળી બાદ અનેકે નોકરી ગુમાવવાનો વખત આવ્યો છે જેની સીધી અસર સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પર જોવા મળી રહી છે. સુરતમાં હીરાના વ્યવસાય છે તેવા વરાછા વિસ્તારની 50 જેટલી શાળામાંથી 603 વિદ્યાર્થીઓના વાલીઓ એલ.સી. (લીવીંગ સર્ટિફીકેટ) લઇ ગયાં છે.
હીરા ઉદ્યોગમાં મંદી અને મોંઘવારી ના કારણે અનેક કારખાના બંધ થઈ ગયાં છે અને કેટલાક મોટા કારખાનામાંથી કારીગરોને છુટા કરવામાં આવી રહ્યાં છે. આવી સ્થિતિ ના કારણે અનેક રત્નકલાકારો બેકાર બન્યા છે જેથી રત્નકલાકારોમાં આત્મહત્યાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તો અનેક બેકાર બનેલા રત્નકલાકારો વતન સૌરાષ્ટ્ર કે અન્ય શહેરની વાટ પકડી રહ્યાં છે હીરાની મંદીની સીધી અસર સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પર જોવા મળી રહી છે.
દિવાળી બાદ થી અત્યાર સુધીમાં સુરત પાલિકાના વરાછા ઝોનમાં 50 જેટલી શાળાઓમાંથી 603 વિદ્યાર્થીઓના વાલીઓ એલ.સી. લઈ ગયાં છે આ ચોંકાવનારા આંકડા શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવેલા સર્વે માંથી બહાર આવ્યા છે.
શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ, બુટ-મોજા, પુસ્તકો, બેગ પણ અપાય છે. પણ નોકરી ન હોવાથી બાળકોને શિક્ષણ મળે છે પણ સુરતમાં જીવન નિર્વાહ મુશ્કેલ બને છે. તો બીજી તરફ એનાથી પણ ચોંકાવનારા આંકડા સમિતિની શાળામાં પ્રવેશ લેનારા છે.
દિવાળી વેકેશન બાદ સુરતની ખાનગી શાળામાંથી 592 વિદ્યાર્થીઓ એવા છે જેઓએ ખાનગી શાળા છોડીને સમિતિની શાળામાં પ્રવેશ લીધો છે. હાલમાં હીરામાં મંદી છે અને ઘણી જગ્યાએ ઓછા પગાર કરી દેવામાં આવ્યા છે.
જેના કારણે ખાનગી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ફી લોકો ભરી શકતા નથી તેથી પાલિકાની શાળામાં વિદ્યાર્થીઓને મુકી રહ્યાં છે. શાળા છોડનારા વિદ્યાર્થીઓના આંકડા હીરા ઉદ્યોગની મંદી અને બેકારી જ નહી પરંતુ સુરત અને ગુજરાતના વિકાસના દાવા સામે પ્રશ્નો ઉભા કરી રહ્યાં છે.