વડોદરામાં હરણી પોલીસે ટેમ્પાના ચોરખાનામાંથી 27 લાખનો ગાંજો પકડ્યો, ડ્રાઇવર ફરાર
Vadodara Police : વડોદરામાં નશીલા પદાર્થો કબજે કરવા પોલીસ દ્વારા મિશન ક્લિન ચાલી રહ્યું છે. જે અંતર્ગત હરણી પોલીસે 27 લાખનો ગાંજો ઝડપી પાડ્યો છે.
હરણી નજીક અમદાવાદ સુરત હાઇવે પર આવેલી કન્ફર્ટ ઈન હોટલ પાસે ગાંજાનું મોટું કનસાઈનમેન્ટ આવનાર હોવાની વિગતો મળતા ડીસીપી પન્ના મોમાયાએ હરણી પોલીસના પીઆઇ અને ટીમને એલર્ટ કર્યા હતા.
પોલીસે હોટલની આસપાસ જુદા જુદા વાહનો ચેક કરતા એક ટેમ્પામાંથી ડ્રાઇવર સાઈડની પાછળ બનાવેલું ચોરખાનું મળી આવ્યું હતું. પોલીસ તેમાંથી 45 પેકેટો કબજે કર્યા હતા.
પોલીસે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેતા લીલા રંગનો માદક પદાર્થ ગાંજો હોવાનું જણાઈ આવ્યું હતું. આ ગાંજાનું વજન 270 કિલોગ્રામ થયું હતું. જેની બજારમાં કિંમત 27 લાખ જેટલી થાય છે.
પોલીસે આસપાસમાં તપાસ કરતા ડ્રાઇવર મળી આવ્યો હતો. જેથી રૂ 8 લાખની કિંમતનો ટેમ્પો અને ગાંજો મળી કુલ 35 લાખનો મુદ્દા માલ કબજે કરી ટેમ્પાના ડ્રાઇવર તેમજ માલિકની શોધખોળ હાથ ધરી છે.