Get The App

હરિવંદના કોલેજના છાત્ર ઉપર બે છાત્રો દ્વારા હુમલો કરી, ધાકધમકી

Updated: Dec 16th, 2024


Google NewsGoogle News
હરિવંદના કોલેજના છાત્ર ઉપર બે છાત્રો દ્વારા હુમલો કરી, ધાકધમકી 1 - image


વોટ્સ ગુ્રપમાં વીડિયો શેર કરવાના વિવાદમાં

બંને છાત્રો સામે ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઇ

રાજકોટ : ૪૦ ફૂટના રોડ પરના ઓમનગરમાં રહેતા અને હરિવંદના કોલેજમાં એલએલબીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં વિવેકભાઈ રસિકલાલ કાલરિયા (ઉ.વ.૩૯)એ તેની કોલેજમાં અભ્યાસ કરતાં બે છાત્રો ભરત જોશી અને યજ્ઞોશ મહેતાએ વોટ્સએપ ગુ્રપમાં શેર કરેલા વીડિયો બાબતે ટિપ્પણી કરી, મારકૂટ કરી, ધાકધમકી આપ્યાની ફરિયાદ ગાધીગ્રામ-૨ પોલીસ મથકમાં નોંધાવી છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.

ફરિયાદમાં વિવેકભાઈએ જણાવ્યું છે કે તેની કોલેજની માહિતીની આપ-લે કરવા માટે વોટસએપમાં 'હરિવંદના એલએલબી કમ્બાઇન્ડ' નામનું ગુ્રપ બનાવવામાં આવ્યું છે. જેમાં તેની કોલેજના વિદ્યાર્થી જોડાયેલા છે. જે ગુ્રપમાં તેણે યુ ટયુબર ધુ્રવ રાઠીનો પૃથ્વીનો જન્મ કેવી  રીતે થયો તેને લગતો એક વીડિયો ગઇ તા. ૮નાં રોજ શેર કર્યો હતો.

જેમાં ઘણા બધાએ કારણ વગરની ટિપ્પણીઓ કરી હતી. જેથી તેણે દિવસના ચારેક વાગ્યે તથ્યો અને તાર્કિકતા પર ચર્ચા કરવા અને ખોટો વિવાદ ઉભો નહીં કરવા કહ્યું હતું. જેમાં મુખ્ય આરોપીઓ ભરત અને યજ્ઞોશ ઉપરાંત અન્ય છાત્રોએ ખાસ વિચારધારા અને દુષ્પ્રચારથી પ્રેરાઇને વીડિયોમાં જણાવેલી વિજ્ઞાાનની વાતો, વીડિયો બનાવનાર તથા તેની ઉપર વ્યક્તિગત, કાયદા વિરૃધ્ધની ખોટી અને કારણ વગરની ટિપ્પણીઓ કરી હતી.

એટલું જ નહીં વિવાદ અને ઝઘડો કરી માર મારવાની, અપહરણ કરવાની, ખાનદાન ખોઇ નાખવાની ધમકી આપી હતી. સાથોસાથ જાહેરમાં તેમનું અપમાન કરવા લાગ્યા હતા. આ ઉપરાંત ધર્મ ઉપર ટિપ્પણી કરી કાલે કોલેજે આવી જા, જોઇ લઇશ, તને ખોઇ નાખીશું, તું ગોત્યો નહીં જડે તેવી ધાકધમકીઓ વગેરે પણ આપી હતી. આ રીતે આ તમામે બંધારણની કલમ ૧૪, ૧૯ અને ૨૧ મુજબ તેના મૂળભૂત અધિકારોનું હનન કરી અને ફોજદારી ઉપરાંત આઈટી એક્ટ મુજબ ગંભીર ગુનો આચર્યો હતો.

ત્યારબાદ સાંજે તે ઘરે હતા ત્યારે પ્રો. આબીદભાઈ માંકડાને કોલ કરી વિવાદની જાણ કરતાં તેણે સમાધાન કરાવવા માટે ફરીથી કોલ કરી કોન્ફરન્સમાં યજ્ઞોશ અને શક્તિ જાડેજાને લીધા હતા. સમાધાનની વાત ચાલુ હતી ત્યારે યજ્ઞોશે ફોનમાં જેમ ફાવે તેમ બોલી, ગાળાગાળી અને ઝઘડો કર્યો હતો. જેને કારણે પ્રો. માંકડાએ કોલ કટ્ટ કરી નાખ્યો હતો.

ગઇ તા. ૯નાં રોજ તે કોલેજમાં લેકચર ભરવા ગયા હતા. સાંજે લેકચર પૂરો થયા બાદ વોશરૃમ ગયા ત્યારે ભરત અને યજ્ઞોશે તેની સાથે ઝઘડો અને ગાળાગાળી કરી તૂટી પડયા હતાં. જેને કારણે તેના ચશ્મા નીચે પડી ગયા હતા. બાથરૃમમાં તે લપસી પણ ગયા હતા. જેને કારણે ઇજા થઇ હતી. આટલેથી નહીં અટકતા આરોપીઓએ તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. મિત્રોએ વચ્ચે પડી તેને છોડાવ્યો હતો.

આ પછી તેણે પ્રોફેસરના રૃમમાં જઇ આપવિતી જણાવી હતી અને પોતાને થયેલી ઇજાના નિશાન પણ દેખાડી પૂરાવારૃપે તેના ફોટા પણ પાડયા હતાં. એવામાં ત્યાં ભરત અને યજ્ઞોશ આવી ગયા હતા. જેથી તેણે વીડિયો શૂટિંગ શરૃ કરતાં બંને આરોપીઓએ તમામની હાજરીમાં ચાલુ વીડિયો કેમેરામાં ધાકધમકી આપી હુમલો કરવા લાગ્યા હતા. હાજર પ્રોફેસરોએ બંને આરોપીઓને રોકી રવાના કર્યા બાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.


Google NewsGoogle News