કેશોદના યુવાન હરેન્દ્રગીરીએ સગાઈની રજામાં આવવાના બદલે વીરગતિ પ્રાપ્ત કરી લીધી
આજે કારગીલ વિજય દિવસની ઉજવણી દુશ્મનોના દાંત ખાટા કરાવી નાખનાર સોરઠના સપૂતને આજે શ્રધ્ધાંજલી અપાશે : તેમના ભાઈનું પીટીએસ ખાતે સન્માન થશે
જૂનાગઢ, : આવતીકાલે તા. 26 જુલાઈના કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવશે. આ યુધ્ધમાં કેશોદના 25 વર્ષિય હરેન્દ્રગિરી ગોસ્વામી વીરગતિને પ્રાપ્ત થયા હતા. આવતીકાલે તા. 26ના એન.સી.સી. દ્વારા આયોજિત કાર્યક્રમમાં શહીદ હરેન્દ્રગીરીના ભાઈનું સન્માન કરવામાં આવશે.
કારગીલ ક્ષેત્રમાં પાકિસ્તાને કરેલા કબજાને મુક્ત કરવા માટે હિંદની સેનાના સપૂતોએ દુશ્મનોના દાંત ખાટા કરાવી નાખ્યા હતા. કારગીલ યુધ્ધમાં કેશોદના હરેન્દ્રગીરી વીરગતિને પામ્યા હતા ત્યારે સમગ્ર સોરઠ હિબકે ચડયું હતું. આ અંગે શહીદ હરેન્દ્રગીરીના ભાઈ દીપકગીરીએ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 'હરેન્દ્રગિરી ૧૨ મહાર રેજીમેન્ટમાં સિપાઈ તરીકે ફરજ બજાવતા હતા. તેમનું કાશ્મીરમાં પોસ્ટીંગ હતું. તેઓ યુદ્ધ પૂર્વે રજા પર આવ્યા ત્યારે તેમનો પોરબંદર જલ દેવામાં આવ્યો હતો. તેણે ફરી રજા પર આવે ત્યારે સગાઈનું આયોજન કરવા જણાવ્યું હતું. તેઓના કાશ્મીરમાં પોસ્ટીંગના ત્રણ વર્ષ પૂર્ણ થવા આવ્યા હતા અને ત્રણ વર્ષ બાદ તેમને પીસ વિસ્તારમાં પોસ્ટીંગ મળવાનું હતું ત્યારે સગાઈ કરવા નક્કી કર્યું હતું. પરંતુ આ દરમ્યાન કારગીલ યુદ્ધ જાહેર થતા તેઓને દ્રાસ ક્ષેત્રના મોસ્કો વિલેજમાં યુધ્ધ દરમ્યાન દુશ્મનની ગોળી વાગવાથી હરેન્દ્રગીરીએ વીરગતિ પ્રાપ્ત કરી હતી અને સોરઠમાં શોક છવાયો હતો. વધૂમાં દીપકગીરીએ જણાવ્યું હતું કે, તા. 28 જૂન 1999ના દ્રાસ ક્ષેત્રમાં હરેન્દ્રગીરી વીરગતિ પામ્યા બાદ તા.2-7-1999 ના તેમનો પાથવ દેહને જૂનાગઢ લાવવામાં આવ્યો હતો. સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે હરેન્દ્રગીરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમગ્ર શહેરના લોકો ઉમટી પડયા હતા. બાદમાં કેશોદમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
બાદમાં હરેન્દ્રગીરીના પરિવાર અને સંસ્થાઓ દ્વારા માંગરોળ રોડ પર શહીદ હરેન્દ્રગીરી સ્મારક બનાવવામાં આવ્યું હતું.
જૂનાગઢ માજી સૈનિક સંગઠનના પ્રમુખ આર.કે. પરમારે જણાવ્યું હતું કે, આવતીકાલે કારગીલ વિજય દિવસ નિમિત્તે એન.સી.સી. દ્વારા પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહીદ હરેન્દ્રગીરીને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવશે તેમજ તેમના ભાઈનું સન્માન કરવામાં આવશે.
માળિયા હાટીના તાલુકાનાં વડીયા ગામની શાળાનું શહીદ હરેન્દ્રગીરી નામકરણ
શહીદ હરેન્દ્રગીરીને શ્રદ્ધાંજલી અર્પણ કરતા તે સમયના શિક્ષણમંત્રી આનંદીબેન પટેલે વીર સપૂતની યાદમાં શાળાનું નામ 'શહીદ હરેન્દ્રગીરી ગોસ્વામી શાળા' રાખવા જણાવ્યું હતું, જેથી પ્રાથમિક શાળાનું નામ આ સપૂતનાં નામ પર રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત માળિયા હાટીના તાલુકાના વડીયા ગામની શાળાનું નામ પણ શહીદ હરેન્દ્રગીરી ગોસ્વામી રાખવામાં આવ્યું હતું