Get The App

સરદાર સરોવર છલકાતા સૌરાષ્ટ્રમાં હરખ, 105 ડેમો નર્મદાથી જોડાયા છે

Updated: Sep 15th, 2022


Google NewsGoogle News
સરદાર સરોવર છલકાતા સૌરાષ્ટ્રમાં હરખ, 105 ડેમો નર્મદાથી જોડાયા છે 1 - image


નર્મદાનીરનો 3.34 લાખ એમ.સી.એફટી. સંગ્રહ, ગત વર્ષથી બમણો દોઢ માસમાં આજી-1,મચ્છુ સહિત 29 ડેમોમાં સૌનીનું પાણી ઠલવાયું, રાજકોટની જળજરૂરિયાતના ૩૩ ટકા પાણી માટે નર્મદાનીર પર જ મદાર

 રાજકોટ, : ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર આજે વહેલી સવારે 5.00 વાગ્યે તેની મહત્તમ સપાટી  138.68 મીટરે પહોંચતા  અને પૂરી સંગ્રહશક્તિ મૂજબ 94600 લાખ ઘનમીટર અર્થાત્ 3,34,089.90એમ.સી.એફટી. પાણી સંગ્રહિત થઈ જતા ઓવરફ્લો થયો હતો અને તેનાથી સૌરાષ્ટ્રના હૈયે પણ હરખ ઉભરાયો છે. સૌરાષ્ટ્રના 115 પૈકી 105 જેટલા જળાશયો અને વિવિધ જલયોજનાઓ નર્મદાડેમ સાથે જોડાયેલી છે અને સૌરાષ્ટ્રનો રહ્યો સહ્યો પાણી પ્રશ્ન પણ હલ થયો છે. 

ગત વર્ષે આ જ દિવસે નર્મદા ડેમમાં માત્ર 1.78 લાખ એમ.સી.એફટી.નો સ્ટોરેજ થયો હતો તે સામે આ વર્ષે આ દિવસ 15-9-2022ના 1.56 લાખ એમ.સી.એફટી. સ્ટોરેજ વધારે થયો છે જેના પગલે સૌરાષ્ટ્રને સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાત વખતે પાઈપલાઈનથી પાણી આપી શકાશે.

વીસ લાખની વસ્તી ધરાવતા રાજકોટના આજી-1 (933 એમ.સી.એફટી.), ન્યારી-1 (1248 એમ.સી.એફટી.) ઓવરફ્લો થતા શહેરનો પાણી પ્રશ્ન હળવો થાય પણ હલ ન થાય. કારણ કે આજી-૧ છલકાય છતાં તે પાણી જાન્યુઆરી સુધી અને ન્યારી ડેમનું પાણી એપ્રિલ સુધી ચાલે. શહેરની દૈનિક  36 કરોડ લિટરની જળમાંગમાં આજે પણ દૈનિક 12 કરોડ લિટર (33 ટકા) પાણી નર્મદાનું મેળવાય છે. આમ, સરદાર સરોવર ભરાતા રાજકોટનો પાણી પ્રાપ્તિનો પ્રશ્ન સંપૂર્ણ હલ થયો છે.

નર્મદા ડેમમાં ગત વર્ષ કરતા બમણો  સંગ્રહ થતા લાંબા અરસા બાદ સિંચાઈ વિભાગે સૌરાષ્ટ્રને આ વર્ષે માંગ્યા વગર નર્મદાનીર છૂટથી આપ્યુ છે. સૂત્રો અનુસાર  ઓગષ્ટ,સપ્ટેમ્બર-22ના દોઢ માસમાં જ મચ્છુ ડેમમાં 1100, રાજકોટના આજીમાં 500થી વધારે, ન્યારીમાં 100 સહિત વિવિધ ડેમોને સૌનીનું પાણી અપાયું છે. સૌરાષ્ટ્રમાં ગત વર્ષ 2021-22માં આજી-3 અને ખોડાપીપર ડેમમાં 419.86 એમ.સી.એફટી, એપ્રિલ-21થી ગત મે-22દરમિયાન ધોળીધજા ડેમથી 2764 એમ.સી.એફટી. નર્મદાનીર ઉપાડાયું હતું , વઢવાણ ભોગાવો, મચ્છુ-1, રાજકોટના આજી-1, ન્યારી-1, ગોંડલના વેરી તળાવ, ડેમી1, ફોફળ વગેરે ડેમોને તથા ચેકડેમો વગેરેને પાણી અપાયું હતું. લિન્ક-૪થી આંકડીયાળા, ગોમા, દેવધરી, સોમલપુર, ઘેલો ઈતરીયા, ઈશ્વરીયા, લીમડી, માલગઢ, કર્ણુકી, કરનાલ, વડિયા ,આલણસાગર, ઠેબી સહિત ડેમોમાં પાણી 2166 એમ.સી.એફટી. પાણી ઉપાડાયું હતું. સિંચાઈના સૂત્રો કહે છે સૌરાષ્ટ્રના 105 ડેમોને પાણી સીધી અને પરોક્ષ લાઈનથી (ઓવરફ્લોથી) પાણી પહોંચાડી શકાય તેમ છે. 



Google NewsGoogle News