સાળંગપુરના હનુમાનજીને હજારીગલના ફૂલોનો શણગાર, જરદોશી વર્કવાળા પહેરાવાયા વાઘા
Kashtbhanjandev Temple Salangpur: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને શનિવારે (18મી જાન્યુઆરી) હજારીગલ અને સેવંતીના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો. દાદાની આસપાસ હજારીગલના ફૂલોનો શણગાર કરાયો જ્યારે સેવંતીના લાલ ફુલોથી શ્રીરામ લખવામાં આવ્યું. આ સાથે કષ્યભંજનદેવને પ્રિય એવી સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
શનિવારે સવારે 5:30 કલાકે મંગળા આરતી હ્રદયપ્રકાશ સ્વામી દ્વારા અને સવારે 7:00 કલાકે શણગાર કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, 'કષ્ટભંજનદેવ હનુમાનજીને જરદોશી વર્કવાળા વાઘા અને હજારીગલના ફુલોનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત દાદાને પ્રિય સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે.'
આજે મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.