રાજ્યભરમાં હનુમાન મંદિરે માનવ મહેરામણ ઉમટ્યું, ઠેર-ઠેર હનુમાન જયંતિની ઉજવણી
મંદિરના પરિસર જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દાદાના દર્શનનો લાભ લીધો હતો
Image : Twitter |
અમદાવાદ, 6 એપ્રિલ 2023, ગુરુવાર
આજે રાજ્યભરમાં હનુમાન જયંતીની ઉજવણી થઈ રહી છે. રાજ્યમાં આવેલા હનુમાન મંદિરે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. રાજ્ય આખામાં ઠેર ઠેર હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. હનુમાનજીની નાની ડેરીથી લઈને મોટા મંદિરમાં ઉજવણી થઈ રહી છે.
દર વર્ષે ચૈત્ર પૂનમના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે એટલે જ આજે દેશમાં તેમજ રાજ્યમાં હનુમાનજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યભરના તમામ લોકો ખૂબ જ હર્ષ ઉલ્લાસથી હનુમાન જયંતિની ઉજવણી કરી રહ્યા છે. હનુમાનજીને આપણે કળયુગના દેવ પણ કહીએ છીએ. એવું માનવામાં આવે છે કે હનુમાનજીની ભક્તિથી વ્યક્તિમાં સાહસ અને આત્મ વિશ્વાસનો સંચાર થાય છે. હનુમાનજીની ભક્તિ વ્યક્તિને દરેક સંકટને હરનારી છે. આજે રાજ્યના કેટલાક મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
સાળંગપુરમાં સવારથી જ ભક્તો પહોંચી ગયા
ગુજરાતમાં બોટાદ સ્થિત સાળંગપુરમાં હનુમાનજીનું મંદિર જગપ્રખ્યાત છે. આજે સાળંગપુર ખાતે કષ્ટભંજન દાદાના દર્શન માટે દુર દુરથી ભક્તો સવારથી પહોંચી ગયા હતા. મંદિરનું પરિસર જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. આજે હનુમાન જયંતિના પાવન અવસર પર આ મંદિરમાં 10 લાખ કરતા પણ વધારે ભક્તો દાદાના દર્શનનો લાભ લેવા આવશે. દર્શન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓ માટે કોઈપણ જાતની અગવળતા કે મુશ્કેલી ન સર્જાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
પંચમહાલના ઝંડ હનુમાન મંદિર માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતમાં નાના મોટ ઘણા મંદિરો છે જ્યા હાલ હનુમાન જયંતિની ઉજવણી થઈ રહી છે. પંચમહાલમાં પણ એક હનુમાનનું પાંડવ કાળનું અતિ પૌરાણિક મંદિર આવેલુ છે. આ મંદિર ઝંડ મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર જાંબુઘોડાના જંગલ વિસ્તારમાં આવેલું છે. આજે આ ઝંડ હનુમાન મંદિરે પણ માનવ મહેરામણ ઉમટ્યું છે. આ મંદિરે પણ ભક્તોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. પવનપુત્રના જન્મોત્સવની ઉજવણી માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. આ મંદિરે શનિ દેવની સ્વયંભુ મૂર્તિના દર્શન થાય છે.
ભરુચના રોકડીયા હનુમાન મંદિરે વિવિધ કાર્યક્રમોનું આયોજન
ભરૂચ શહેરના કસક વિસ્તારમાં પાવન સલીલા માઁ નર્મદા નદી કિનારે આવેલા રોકડીયા હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવના પાવન પર્વ નિમિત્તે મહાઆરતી, દર્શન, પૂજન અર્ચન અને અન્નકૂટ, મહાપ્રસાદી સહીતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મંદિરે દુર દુરથી હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પહોચ્યા છે. આ રોકડીયા હનુમાન મંદિરે દર શનિવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે ત્યારે આજે હનુમાન જયંતિ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લેશે.
અમદાવાદ, સુરત અને રાજકોટના મંદિરોમાં પણ ભવ્ય ઉજવણી
આજે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે ત્યારે સુરતના ડુંભાલ ખાતે સાડા ચારસો વર્ષ પૌરાણિક મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત અમદાવામાં આવેલા કેમ્પ હનુમાનમાં પણ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી દ્રારા કેમ્પ હનુમાન મંદિરથી શોભાયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. આ યાત્રા કેમ્પ હનુમાનથી વાસણા વાયુ દેવતાના મંદિર સુધી યોજાઈ હતી. રાજકોટમાં પણ ઠેર ઠેર હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટના બાલાજી મંદિર, સુતા હનુમાન અને સુર્યમુખી મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી.