સાળંગપુરમાં ઉજવાયો ભવ્ય હનુમાન જન્મોત્સવ, દાદાએ સુવર્ણ વાઘામાં ભક્તોને આપ્યા દર્શન
Kashtbhanjandev Hanuman Temple Salangpur: શ્રી સ્વામિનારાયણ મંદિરવડતાલધામ સંચાલિત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે શનિવારના રોજ (ચૈત્ર સુદ પૂનમ) પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા) અને કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં શ્રી હનુમાન જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે (શનિવારે) શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા વાઘા પહેરાવ્યા હતા.
250 કિલો કેકની કેપ કાપી ઉજવ્યો જન્મદિવસ
આજે ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતીના દિવસે મંગળા આરતી સવારે 5:15 કલાકે-શણગાર આરતી સવારે 7:00 કલાકે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી અને ભવ્ય આતશબાજીથી કષ્ટભંજનદેવનું સ્વાગત કરાયું. 7 કલાકે કષ્ટભંજનદેવ દાદા સુવર્ણ વાઘા ધારણ કરીને ભક્તોને દર્શન આપ્યાં હતા. સવારે 7.30 કલાકે 51,000 બલૂનડ્રોપથી ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 250 કિલો કેકનું કટીંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા.
11 કલાકે મહાઅન્નકૂટ યોજાશે
આ દરમિયાનમાં સવારે 7 વાગ્યે સમુહ મારૂતી યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. જેમાં 1000થી વધુ ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લીધો હતો. બપોરે 11 કલાકે મહાઅન્નકૂટ યોજાશે.
વાઘાની કિંમત 9 કરોડ રૂપિયા કરતા પણ વધારે
આજે નૂતનવર્ષના પ્રથમ દિવસે શ્રીકષ્ટભંજન દેવ હનુમનાજી દાદાને 8 કિલો સોનામાંથી બનેલાં વાઘા પહેરાવાયા છે. આ વાઘાની કિંમત 9 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે. વર્ષ 2019માં આ વાઘા બનાવવા માટે 22 ડિઝાઇનર્સની ટીમ મંદિરના સંતો દ્વારા અપોઈન્ટ કરવામાં આવી હતી. આ વાઘાનું મુખ્ય કામ અંજારના હિતેષભાઈ સોનીએ કર્યું છે અને થોડું કામ રાજકોટ અને જયપુરમાં પણ કરાવવામાં આવ્યું હતું. આ વાઘા બનાવવા માટે ડિઝાઇનર્સ સહિત 100 જેટલા સોનીઓની મદદ લેવાઈ હતી. આ લોકોએ 1050 કલાકની મહેનત બાદ દાદાના આ વાઘા તૈયાર કર્યા હતા. આ વાઘાને સંપૂર્ણ તૈયાર થવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો.
3000થી વધુ સ્વયંસેવકો રહેશે ખડેપગે
સાળંગપુરમાં આ હનુમાન જન્મોત્સવની ઉજવણીના માઈક્રો મેનેજમેન્ટ માટે 3000 હજારથી વધુ સવ્યંસેવકો ભોજનાલય, મંદિર પરિસર અને પાર્કિંગ સહિતના 25 અલગ-અલગ વિભાગોમાં ખડેપગે રહેશે. આ ઉપરાંત અહીં આવતા ભક્તો માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા બરવાળાથી આવતાં અને બોટાદ બાજુથી આવતા ભક્તો માટે કરવામાં આવી છે. જેમાં અલગ-અલગ પાર્કિંગમાં એક સાથે 10 હજારથી વધુ વ્હીકલ આરામથી પાર્ક કરી શકાશે.