સ્ત્રી સમાનતાના હિમાયતી હંસા મહેતાને શ્રદ્ધાંજલિ, યુનાઇટેડ નેશન્સે બિરદાવ્યાં એમના પ્રયાસો
UN honors Hansa Mehta of Gujarat: સામાન્યપણે ડિપ્લોમસી એ પુરુષોનું પ્રભુત્વ ધરાવતું ક્ષેત્ર ગણાય છે, પણ આ ક્ષેત્રે ઘણી મહિલાઓએ પણ પ્રસંશનીય કામગીરી બજાવી છે. એવી પ્રતિભાવાન મહિલાઓના કામની સરાહના કરવા માટે દર વર્ષે 24 જૂનનો દિવસ ‘ઈન્ટરનેશનલ ડે ઓફ વિમેન ઈન ડિપ્લોમસી’ તરીકે ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલી (UNGA) દ્વારા વર્ષ 2022થી આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે ‘આંતરરાષ્ટ્રીય મહિલા રાજદ્વારી દિવસ’ પર UNGAના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસ દ્વારા ભારતના બહુમુખી પ્રતિભા ધરાવતાં પુત્રી ‘હંસા મહેતા’ને શ્રદ્ધાંજલિ આપીને એમના કાર્યોને પોંખવામાં આવ્યાં છે. વિશેષ કરીને ‘માનવ અધિકારની વૈશ્વિક ઘોષણા’ (Universal Declaration of Human Rights - UDHR) બાબતે એમના પ્રદાનને ધ્યાનમાં રાખીને એમને UNGA દ્વારા યાદ કરવામાં આવ્યાં છે.
શું પ્રદાન હતું હંસા મહેતાનું?
UDHRના જાહેરનામાની કલમ 1ની શરૂઆતની પંક્તિ કંઈક આમ હતી- ‘બધા પુરુષો સ્વતંત્ર અને સમાન હક લઈને જન્મે છે’ (All men are born free and equal), જે સંદર્ભે સ્ત્રી-સમાનતાના હિમાયતી એવાં હંસા મહેતાએ એવી દલીલ કરી હતી કે ‘માનવતા’નો પર્યાય ‘પુરુષો’ શબ્દ ન હોવો જોઈએ. એમના સૂચનને અનુસરીને ઉપરોક્ત વાક્યમાં ફેરફાર કરીને એને ‘બધા મનુષ્ય સ્વતંત્ર અને સમાન હક લઈને જન્મે છે’ (All human beings are born free and equal) કરવામાં આવ્યું હતું. લિંગ-સમાનતાના સંદર્ભે આ મહત્ત્વપૂર્ણ બદલાવ હતો. UNGAના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસે એમના વક્તવ્ય દરમિયાન પ્રશ્ન કર્યો હતો કે, ‘જો હંસા મહેતાએ UDHRના જાહેરનામાની શરૂઆતની લાઇન બદલવાનો આગ્રહ ન રાખ્યો હોત આજે માનવ અધિકારની વૈશ્વિક ઘોષણા ખરેખર વૈશ્વિક હોત ખરી?’