પત્ની સાથે ઝઘડો થતાં ગોત્રીમાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
રાજીવનગરમાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી યુવતીએ ઓઢણીથી ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
વડોદરા, તા.5 શહેરના ગોત્રી વિસ્તારમાં પત્ની સાથે ઝઘડો થતાં માર્કેટિંગની નોકરી કરતા યુવાને ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે ગોત્રી યશ કોમ્પ્લેક્સ પાછળ વ્રજભૂમિ સોસાયટીમાં રહેતો મલ્હાર જ્ઞાાનદેવ ઉપાધ્યાય (ઉ.વ.૩૭) ખાનગી કંપનીમાં માર્કેટિંગની નોકરી કરતો હતો. ગઇકાલે રાત્રે આઠ વાગ્યા પહેલાં તેણે ઘરમાં દોરી વડે ગળા ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે ગોત્રી પોલીસે જણાવ્યું હતું કે તેને પત્ની સાથે ઝગડો થતો હતો અને ગઇકાલે પણ ઝઘડો થયા બાદ તેને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. મલ્હારને સંતાન નહી હોવાથી આઇવીએફથી લગ્નના ૧૨ વર્ષ બાદ બે મહિના પહેલાં જ સંતાનનો જન્મ થયો હતો.
અન્ય બનાવમાં ખોડિયારનગર વિસ્તારમાં રાજીવનગર-૧માં રહેતી ૨૬ વર્ષની સરોજ અરવિંદ નાયક છેલ્લા પાંચ વર્ષથી ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી હતી. એક વર્ષ પહેલાં જ તેની સગાઇ થઇ હતી અને સગાઇ બાદ વડોદરામાં રહેતી હતી. ત્રણ-ચાર દિવસથી રજા પર હતી અને ગઇકાલથી તેને ફરજ પર હાજર થવાનું હતું પરંતુ તે પૂર્વે જ તેણે ઘરમાં પંખા પર ઓઢણી વડે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. સરોજે ક્યાં કારણોસર મોત વ્હાલુ કર્યું તે અંગે વારસિયા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.