‘ઝઘડિયા દુષ્કર્મ કેસના આરોપીને ફાંસી આપો’ વીર બિરસા બ્રિગેડનું કલેક્ટરને આવેદન
Veer Birsa Brigade On Zaghadiya Incident : ભરૂચના ઝઘડિયામાં શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટનામાં પીડિતાને ગંભીર ઈજા પહોંચતા 8 દિવસની સારવાર બાદ મોત થયુ હતું. સમગ્ર ઘટનાને લઈને ભરૂચ જિલ્લાના વીર બિરસા બ્રિગેડના સભ્યોએ વિરોધ નોંધાવીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને આરોપીને ફાંસીની સજા કરવામાં આવે તેવી માગ કરી હતી.
'ઝઘડિયા દુષ્કર્મ કેસના આરોપીને ફાંસી આપો'
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકીનું વિજય પાસવાન નામના આરોપીએ અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાને ગંભીર ઈજાઓ પહોંચતા વડોદરાની એસએસજી હોસ્પિટલમાં 8 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને આજે મંગળવારે ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડના પ્રમુખ વિજય વસાવા સહિત જંબુસર, અંકલેશ્વર, આમોદના આદિવાસી સંગઠનોએ આરોપીને શખ્ત સજા ફટકારવાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ સાથે સંગઠનના લોકોએ આરોપી વિજય પાસવાનના પૂતળાને ચપ્પલો મારવાની સાથે રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો અને આવું રાક્ષસી કૃત્ય કરનારા આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી તેવી વીર બિરસા બ્રિગેડના કાર્યકરોએ માગ કરી હતી. સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
આ પણ વાંચો: ગુજરાત ક્યારેય નહીં ભૂલે દુષ્કર્મના આ ચકચારી કેસ, જેણે ગુજરાતીઓને હચમચાવી નાંખ્યા
ગુજરાતની નિર્ભયાનું મોત
ભરૂચના ઝઘડિયામાં પરપ્રાંતિય શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકીનું વિજય પાસવાન નામના આરોપીએ અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું. નિર્ભયા કાંડ જેવી આ ઘટના પણ 16 ડિસેમ્બરે બની હતી, જેણે રાજ્યભરમાં ચકચાર મચાવી દીધી હતી. આ બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી કારણ કે, આરોપીએ બાળકી સાથે નિર્ભયા જેવી વિકૃતિ આચરી હતી. આ ઘટનામાં બાળકીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ભરૂચ સિવિલ લઈ જવાઈ હતી, જ્યાં તેનું ઓપરેશન કરાયું હતું. જો કે, બાળકીની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હૉસ્પિટલમાં ખસેડાય હતી, જ્યાં 8 દિવસની સારવાર બાદ તેનું મોત થયું હતું.