'ગૌરીના હત્યારાને ફાંસી આપો' : ભુજમાં સર્વ સમાજની મૌન રેલી યોજાઈ
આરોપીને કડક સજાની માંગ સાથે સૌની એક જ માંગ
આરોપીને આકરી સજા, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા,ખાસ પબ્લીક પ્રોસીકયુટરની નિમણૂક, સીટ મારફતે તપાસ, પરિવારને આર્થિક સહાય સહિતની માંગ કરાઈ
તાજેતરમાં ગોધરા ગામની ગૌરીબેન ગરવા વહેલી પરોઢે નોકરીએ જવા નીકળી હતી ત્યારે તેના ઘરની નજીક જ આરોપીએ તેને ગુપ્તી અને તલવારના અસંખ્ય ઘા મારી હત્યા નીપજાવી હતી. બનાવના દિવસે આરોપીની પોલીસે હોસ્પિટલમાંથી ધરપકડ કરી હતી. પરંતુ, હત્યાના આ બનાવે અમુક ઘેરા રહસ્યો સર્જયા હોવાથી આજરોજ આરોપીને ફાંસીની સજાની માંગ સાથે ભુજમાં મૌન રેલી યોજવામાં આવી હતી. જેમાં, મોટી સંખ્યામાં બહેનો પણ જોડાઈ હતી. 'ગૌરીના હત્યારાને ફાંસી આપો' તેવા બેનરો સાથે પોતાની લાગણી વ્યકત કરી હતી.
પ્રતિનિધી મંડળ દ્વારા આપેલ આવેદન પત્રમાં આ ક્રુર હત્યાના કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા, ખાસ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિયુક્તિ કરવા, મૃતક યુંવતીના પરિવારને આર્થિક વળતર તથા પરિવારના એક સભ્યને નોકરી આપવા સ્પેશિયલ ઇન્વેસ્ટેગેસન ટીમ દ્વારા તપાસ કરવા, તેમજ પ્રારંભિક તપાસમાં પોલીસની બેદરકારી તથા માંડવી સરકારી હોસ્પિટલના તબીબો દ્વારા આરોપીને છાવરવાની સહિતના મુદે તપાસની માંગ સાથે વિસ્તૃત આવેદન આવેદનપત્ર પાઠવી, અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા , ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ આરોપીને ત્વરિત સજા મળે અને ભવિષ્યમાં કચ્છ જિલ્લામા આવા ક્રુર બનાવો ન બને એ સહિતની તમામ માંગણીની સરકારમા તાત્કાલિક રજૂઆત કરવાની સૌને હૈયાધારણ આપી હતી. શરુઆતમાં ડો. આંબેડકરની પ્રતિમા પાસે સમગ્ર કચ્છ માંથી ઉપસ્થિત લોકો વચ્ચે મરણ જનાર ગૌરીબેન ગરવાના પરિવારજનો બાબાસાહેબની પ્રતિમાને હારારોપણ વંદના કરી મૃતક ગૌરી ગરવાને શ્રધ્ધાજંલિ આપી બે મિનિટનું મૌન પાડી વિશાળ સંખ્યામાં રેલી સ્વરૂપે નીકળી ન્યાય કોર્ટ, જ્યુબીલી ગ્રાઉન્ડ થી કલેકટર કચેરી સુધી હજારોની સંખ્યામાં મૌનરેલી માં બેનર,પ્લે કાર્ડના સુત્રો દ્વારા આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત મૃતક યુવતીના ગોધરા ગામે મૃતક ગૌરીના માનમાં સજજડ બંધ રાખ્યો હતો. આ મૌન રેલીમાં ગોધરા વિષ્ણુ સમાજના આગેવાનો, ગોધરા સરપંચ , સામાજિક અગ્રણીઓ ુસહિત સમગ્ર કચ્છ જિલ્લાના તમામ સમાજના આગેવાનો કાર્યકરો, મહિલા મંડળના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા.
કચ્છ જિલ્લા મહિલા વિકાસ સંગઠનની સોથી વધુ બહેનો મૌન રેલીમાં ઉપસ્થિત રહી કલેકટરને મૃતક ગૌરીબેનના કિસ્સામાં તાકિદે આરોપીને કડક સજા અને જિલ્લામા મહિલા સુરક્ષા વધુ મજબૂત બનાવવા માંગ કરી હતી.
આ હત્યા કાંડની તપાસ સમિતિ નિમી આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે રાજયના ગૃહમંત્રીને કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, વીે.કે.હુંબલ, આદમભાઈ ચાકી સહિતનાઓ દ્વારા પણ રજુઆત કરાઈ છે. કચ્છ માટે કલંકરૂપ આ ઘટના ગણાવી આવા બનાવોથી વધુ દિકરીઓ પોતાના જીવ ન ગુમાવે તે પહેલા આવા કેસોનું ઝડપી નિકાલ કરવા રજુઆત કરી છે.