ચૂંટણી પહેલા જ હાલોલ નગરપાલિકા પર ભાજપની સત્તા, 18 બેઠકો બિનહરીફ જીતી
Halol Elections: પંચમહાલની હાલોલ નગરપાલિકાની સ્થાનિક ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. હાલોલ નગરપાલિકામાં મતદાન પ્રક્રિયા પૂર્વે જ ભાજપ સત્તામાં આવ્યું છે. ભાજપ 18 બેઠક પર બિનહરીફ વિજેતા જાહેર થયું છે.
હાલોલ નગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી દ્વારા 9 વોર્ડની 36 બેઠક માટે 72માંથી 67 ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવ્યા હતા, પાંચ ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હતા, જેમાં ભાજપના મેન્ડેટ વગરના 4 અને આપનું 1 ફોર્મ સામેલ છે. આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 20 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. જેના કારણે હાલોલ નગરપાલિકામાં ભાજપના 18 ઉમેદવાર અને અપક્ષના બે ઉમેદવાર બિનહરીફ થયા છે.
આમ, હાલોલ નગરપાલિકાની સત્તા ભાજપે ચૂંટણી પહેલા જ કબજે કરી લીધી છે. કોંગ્રેસ પેનલે ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. બીજી તરફ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા દબાણ કરાતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.