જામનગર જિલ્લામાં મેઘરાજા ધીમા પડ્યા, તોફાની પવન શરૂ, તોફાની ચક્રવાતને લઈને વહીવટી તંત્ર એલર્ટ મોડમાં
Jamnagar Rain Update : જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ધીંગી મેઘસવારી જોવા મળી રહી છે, પરંતુ તેમાં આજે થોડી બ્રેક લાગી છે અને મેઘરાજા ધીમા પડ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર જિલ્લામાં અડધા થી દોઢ ઇંચ વરસાદ પડયો છે. જોકે પડાણા અને મોટા ખડબામાં ત્રણેય વરસાદ પડી ગયો છે. સાથે સાથે પ્રતિ કલાકના 40 થી 50 કિ.મી ની ઝડપે તોફાની પવન પણ ફૂંકાઈ રહ્યો છે. આજે તોફાની ચક્રવાતને લઈને વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સમગ્ર જિલ્લાના તમામ ડેમ ફરી છલકાયા હતા, અને કેટલાક જળાશયોમાંથી વિપુલ માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જે મેઘ સવારી થંભી છે. અને મેઘરાજા ધીમા પડ્યા છે. લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. મોટાભાગના શહેર તથા અન્ય નીચાણવાળા વિસ્તારોમાંથી પૂરના પાણી ઓસરી ગયા હોવાથી પણ લોકો રાહત અનુભવી રહ્યા છે, અને રાહત શિબિરમાંથી પોતાના ઘર તરફ વળ્યા છે. અને સાફ-સફાઈના કાર્યમાં લાગી ગયા છે.
ગુરૂવારે સવારે 6.00 વાગ્યાથી આજે સવારે 6.00 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળા દરમિયાન જામનગર શહેરમાં વધુ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે જોડિયામાં પણ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. તેજ રીતે ધ્રોલમાં-કાલાવડ-લાલપુર અને જામજોધપુરમાં અડધા થી 1 ઇંચ વરસાદ નોંધાયો છે.
વરસાદની સાથે સાથે પવનની તીવ્રતામાં વધારો થયો છે, અને પ્રતિ કલાકના 40 થી 50 કિ.મી ઝડપે પવન ફૂંકાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે ચક્રાવાતી પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હોવાથી જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર સજાગ બન્યું છે. સાથે-સાથે લોકોને પણ સલામત સ્થળે સચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી રહી છે. શહેર જિલ્લાની તમામ શાળા કોલેજોમાં બે દિવસ માટેની રજા જાહેર કરી દેવામાં આવી છે.