પાલિતાણાથી સોનગઢ અને તળાજા હાઈવે પર અડધા ફૂટના ખાડાથી અકસ્માતને નિમંત્રણ
- તંત્રવાહકો અને ચૂંટાયેલા પદાધિકારીઓની ઉદાસીનતા સામે લોકોમાં રોષ
- તળાજા, બગદાણા, ભગુડા, કોટડા, મહુવા અને ગોપનાથને સાંકળતા મહત્વના માર્ગો તદ્રન ખખડધજ હાલતમાં
તિર્થ પાલિતાણાને આસપાસના અન્ય તાલુકા મથક અને ગ્રામ્ય મથકોની સાથે સાંકળતા મોટા ભાગના માર્ગો તદ્રન બિસ્માર હાલતમાં હોય ત્યાંથી નિકળવામાં વાહનચાલકોને ધોળા દિવસે તારા દેખાઈ જતા હોય છે. આસપાસના સમગ્ર વિસ્તારોના માર્ગોના કામમાં લોટ પાણીને લાડવા જેવી સ્થિતી થઈ હોય વાહનચાલકો જ નહિ બલકે દેશ વિદેશમાંથી આવનાર યાત્રિકોમાં પ્રબળ રોષ વ્યાપેલ છે. તીર્થનગરી પાલિતાણાથી તળાજા, બગદાણા, ભગુડા, કોટડા, મહુવા અને ગોપનાથ તેમજ ઉંચા કોટડાને સાંકળતા મહત્વના માર્ગોની હાલત લાંબા સમયથી તદ્રન દયનીય બની ગઈ છે. ૨૪ કલાક વાહનોથી સતત ધમધમતા આ ખખડધજ માર્ગો સત્તાધીશોને હવે નવા બનાવવાનો વિચાર પણ આવતો નથી. વર્ષ દરમિયાન ધાર્મિક તહેવારો, પ્રસંગોપાત દેશ-વિદેશમાંથી બહોળી સંખ્યામાં આબાલવૃધ્ધ યાત્રિકો સરકારી અને ખાનગી વાહનોમાં ઉમટી પડતા હોય છે. મોટા ભાગના યાત્રિકો ખાનગી વાહનોમાં પાલિતાણામાં આવતા હોય છે. તીર્થનગરી પાલિતાણાને સાંકળતા આસપાસના મોટા ભાગના તાલુકા અને ગ્રામ્ય મથકોના તદ્રન ખખડધજ માર્ગો હોય વાહનચાલકોને અવર-જવરમાં પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે.એટલુ જ નહિ તેઓના મોંઘાદાટ વાહનોની કિંમતી એસેસરીઝને પણ વ્યાપક પ્રમાણમાં નુકશાન થઈ રહેલ છે. ઉપરોકત તમામ માર્ગોની કાયમી દુર્દશાને લઈને મુસાફરોમાં વહિવટીતંત્રની જ નહિ બલકે ચૂંટાયેલા પદાધિકારીઓની ગંભીર બેદરકારી અને ઉદાસીનતા સામે પ્રબળ કચવાટ વ્યાપેલ છે.