રાજકોટ TRP ગેમ ઝોન આગમાં ફસાયેલાને બચાવવા જતા જિમ ટ્રેનરે જીવ ગુમાવ્યો
Rajkot Game Zone Fire: રાજકોટનાં ટીઆરપી ગેમ ઝોનમાં એક મહિના પહેલાં જ નોકરીએ લાગ્યા બાદ જિમ ટ્રેનર તરીકે જાણીતા એવા સુનિલભાઈ સિધ્ધપુરાએ અગ્નિકાંડની દુર્ઘટના બાદ અન્ય લોકોનાં જીવ બચાવ્યા બાદ આગનાં ધુમાડામાં ગુંગળાઈ જતા જીવ ગુમાવ્યો હોવાની સંભાવના તેમના પરિવારજનોએ વ્યક્ત કરી હતી. આજે તેમનો મૃતદેહ પરિવારને સોંપાયા બાદ પરિવારજનોના કરૂણ આક્રંદ સાથે સ્વ. સુનિલભાઈની અંતિમવિધિ કરવામાં આવી હતી.
ગેમઝોનમાં બીજા માળે ફરજ બજાવતા હતા
રાજકોટમાં એરપોર્ટ રોડ ઉપર રહેતા સ્વ. સુનિલભાઈ હસમુખભાઈ સિધ્ધપુરાના લગ્ન થોડા વર્ષો અગાઉ થયા હતાં. સંતાનમાં એકમાત્ર દિકરી છે. સ્વ. સુનિલભાઈનાં સ્વજન આશિષભાઈ સિધ્ધપુરાએ જણાવ્યું હતું કે, મારા કાકાનો દિકરો સ્વ. સુનિલભાઈ ગેમઝોનમાં બીજા માળે ફરજ બજાવતો હતો.
લોકોને બચાવવા જતા ખુદ આગની લપેટમાં આવી ગયા
આગની દુર્ઘટના સર્જાઈ ત્યારે બીજા માળે તે અન્ય લોકોને બચાવવાનાં કામમાં જોડાઈ ગયા હતા. ઘણાં લોકોને તેણે આગમાંથી બચાવ્યા પણ હતાં. પરંતુ ખુદ આગની લપેટમાં આવી ગયા હતા. ગેમ ઝોનનાં બીજા માળે આગની જવાળાઓ સાથે ચારેબાજુ ધુમાડા પ્રસરતા તે પણ ફસાઈ ગયો હતો, જેમાંથી નીકળવું મુશ્કેલ હતું.
શારીરિક રીતે સશક્ત સુનિલભાઈ પણ દુર્ઘટનાનો ભોગ બન્યા
પરિણામે શારીરિક રીતે સશક્ત સ્વ. સુનિલભાઈ પણ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. તેમના મોટાભાઈ જૂનાગઢ રહે છે. તેઓ નોકરી કરે છે. અહીં રાજકોટમાં જૂનું મકાન વેચીને એરપોર્ટ રોડ ઉપર મકાન લીધુ હતું. કુટુંબનાં આધારસ્તંભ સમાન સ્વ. સુનિલભાઈનો મૃતદેહ આજે પરિવારને સોંપાતા રામનાથપરા ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી.