Get The App

જલારામ બાપા અંગે વિવાદિત ટિપ્પણી: વીરપુરમાં ભયંકર આક્રોશ, આવતીકાલે મહત્ત્વપૂર્ણ બેઠક

Updated: Mar 3rd, 2025


Google NewsGoogle News
જલારામ બાપા અંગે વિવાદિત ટિપ્પણી: વીરપુરમાં ભયંકર આક્રોશ, આવતીકાલે મહત્ત્વપૂર્ણ બેઠક 1 - image


Virpur News : વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના ફરી એક અન્ય સ્વામીએ બફાટ કરતાં વિવાદ ઊભો થયો છે. વડતાલના સ્વામી જ્ઞાનપ્રકાશ સુરતના અમરોલી ખાતે એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે વિવાદ વકર્યો છે. જો કે, જ્ઞાનપ્રકાશ સ્વામીએ નિવેદનને લઈને માફી માગી હતી. જ્યારે સમગ્ર મામલે વીરપુરમાં રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેને લઈને સરપંચે જણાવ્યું હતું કે, 'આવતીકાલે મંગળવારે વીરપુરમાં વેપારીએ, સંસ્થાના આગેવાનો સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાશે.'

વીરપુરમાં રઘુવંશી સમાજના આગેવાનો-ભક્તોમાં ભારે રોષ

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં રઘુવંશી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્વામી આ મામલે માફી માગી હતી અને કહ્યું હતું કે, 'એક પુસ્તકમાં પ્રસંગ વાંચ્યો હતો તે જ કહી સંભળાવ્યો હતો.' જેને લઈને વીરપુરમાં રઘુવંશી સમાજના આગેવાનો અને ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો હતો. 

'જો આવું કોઈ સાહિત્ય હોય તો લઈને વીરપુર આવે...'

એક પુસ્તકના પ્રસંગમાંથી વાત કહી હોવાના સ્વામીના નિવેદન મામલે વીરપુરમાં રઘુવંશી સમાજના આગેવાનો અને ભક્તોએ કહ્યું હતું કે, 'જો આવું કોઈ સાહિત્ય હોય તો લઈને વીરપુર આવે...' આ સાથે સ્વામી વીરપુર આવીને માફી માગે તેવી માગ ઉઠી છે. 

આ પણ વાંચો: જલારામ બાપા પર વિવાદિત ટિપ્પણી: સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ માંગી માફી, રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ

સમગ્ર મામલે સરપંચે જણાવ્યું હતું કે, 'આવતીકાલે (4 માર્ચ, 2025) વીરપુરમાં વેપારીએ, સંસ્થાના આગેવાનો સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાશે.' 

શું હતો વિવાદ? 

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા જ્ઞાનપ્રકાશ સ્વામી સુરતના અમરોલીમાં સત્સંગમાં હાજરી આપવા પહોંચ્યા હતાં. જ્યાં તેમણે કહ્યું કે, 'જલારામ બાપાનો ઇતિહાસ ગુણાતિત સ્વામી સાથે જોડાયેલો છે. ગુણાતિત સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યા હતા. જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતિત સ્વામી પાસે આશિર્વાદ માંગ્યા હતા કે, સ્વામી મારું એક માત્ર લક્ષ્ય છે કે, અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે તેમને પ્રસાદ મળે. જલા ભગતે ગુણાતિત સ્વામીને બાટી અને દાળ જમાડ્યા. બાદમાં સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યા કે, તમારો ભંડાર કાયમ ભર્યો રહેશે.'


Google NewsGoogle News