ગુજરાત સરકારની વીજ કંપનીઓમાં મહિલા કર્મચારીઓ માટે અલાયદું પોર્ટલ લોન્ચ કરાશે
વડોદરાઃ ગુજરાત સરકારની વીજ કંપની જીયુવીએનએલ( ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ) અને તેની પેટા કંપનીઓમાં કામ કરતી મહિલા કર્મચારીઓ અને અધિકારીઓ માટે મહિલા સશક્તિકરણની નીતિ લાગુ કરવાની જાહેરાત કરાઈ છે.આ નીતિને અભ્યુદયા ...નામ આપવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે, જીયુવીએનએલ અને તેની સાત પેટા કંપનીઓમાં ૬૦૦૦૦ કર્મચારીઓ અને અધિકારીઓ પૈકી ૬૦૦૦ જેટલી મહિલાઓ છે.
વીજ કંપનીના સત્તાવાર સૂત્રોના કહેવા પ્રમાણે આ નીતિના ભાગરુપે મહિલા કર્મચારીઓ માટે એક આગવું પોર્ટલ લોન્ચ કરવામાં આવશે.આ પોર્ટલ પર મહિલાઓ પોતાની ઓળખ ગુપ્ત રાખીને પોતાની મુશ્કેલી કે ફરિયાદ રજૂ કરી શકશે અને આ ફરિયાદ અંગે શું કાર્યવાહી થઈ રહી છે તેનું ટ્રેકિંગ પણ કરી શકશે.મહિલા કર્મચારીઓ ગુપ્ત રીતે ફીડબેક પણ આપી શકશે.સાથે સાથે પોર્ટલ પર કોમ્યુનિટી ફીચર હશે.જ્યાં મહિલા કર્મચારીઓ એક બીજાની સાથે જોડાઈને વિચારોની આપલે કરી શકશે.રીસોર્સ સેન્ટર નામની એક કેટેગરીમાં મહિલાઓ માટે કેરિયર એડવાન્સમેન્ટ, સ્વાસ્થ્ય સહિતની વિવિધ જાણકારી પૂરી પાડવામાં આવશે.
મહિલા કર્મચારીઓ અને અધિકારીઓ માટે મેન્ટરશિપ અને લીડરશિપ પ્રોગ્રામનું નિયમિત રીતે આયોજન થશે.તેમના સ્કિલ ડેવલપમેન્ટ પર પણ ભાર મૂકવામાં આવશે તેમજ લીડરશિપ માટે મહિલા અધિકારીઓને પ્રોત્સાહન આપવામાં આવશે.મહિલા કર્મચારીઓ માટે નારી શક્તિ એવોર્ડની શરુઆત કરવામાં આવશે.