આજે વરસાદી માહૌલમાં ગુરૂપૂર્ણિમા, સૌરાષ્ટ્રમાં ગામેગામ ગુરૂની પૂજા થશે
દુ:ખ,ચિંતા,ભયનું કારણ અજ્ઞાાનનું આવરણ દૂર કરી જ્ઞાાનનો પ્રકાશ ફેલાવે તે ગુરૂ
રાજકોટ, : આવતીકાલે જોગાનુજોગ રવિવારે રજાના દિવસે અષાઢ સુદ પુનમ, ગુરૂપૂર્ણિમાનું પર્વ શ્રધ્ધા અને ગુરૂભક્તિ સાથે ઉજવાશે. ભારતીય સંસ્કૃતિમાં ગુરૂનું સ્થાન યુગો યુગોથી ઈશ્વર કરતા પણ ઉંચુ ગણવામાં આવ્યું છે અને ગુરૂ એ છે જે માણસમાત્રના દુ:ખો,ચિંતા, ભય, દ્વેષ, ઈર્ષા વગેરે અજ્ઞાાનના કારણે થાય છે, પરિસ્થિતિ અને વ્યક્તિ તરફ જોવાની ખોટી દ્રષ્ટિથી સર્જાય છે તેને ગુરૂ જ્ઞાાનનો પ્રકાશ ફેલાવીને દૂર કરે છે અને મનુષ્યને તેના મૂળ સ્વરૂપ સાથે, ઈશ્વરીય તત્વ સાથે પરિચય કરાવીને અખંડ આનંદ,ઉત્સાહ,ઉમંગ આપે છે. આવતીકાલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી સાથે ગામેગામ ગુરૂ પૂજન,વંદન થશે અને ગુરૂ મંદિરોમાં ભક્તિમય ધર્મોત્સવ ઉજવાશે. અનેક ધર્મસ્થાનોમાં પણ ગુરૂપૂજન સહિત કાર્યક્રમો યોજાયા છે. સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ પરંપરાગત ગુરૂગાદી આવેલ છે. જ્યાં ધર્મોત્સવનું આયોજન કરાયું છે. ઉપરાંત ગામેગામ મહંતો,સંતોના આશ્રમો, ધર્મસ્થાનોએ ગુરૂપૂજન સહિત કાર્યક્રમો યોજાયા છે. આ દિવસે જિંદગીનું સાચુ શિક્ષણ આપનાર શિક્ષકો, વડીલો વગેરેને પણ ગુરૂ માનીને પૂજા થાય છે તો રાજકીય કાર્યાલયોમાં પણ પણ ગુરૂ પૂજનનું આયોજન થતું હોય છે.