આ છે ગુજરાતના સૌથી યુવા સરપંચ, કૉલેજ પાસ કરીને સંભાળ્યું સુકાન, ગામને આંતરરાષ્ટ્રીય સ્તરે અપાવ્યું માન
Gujarat's Youngest Sarpanch: મહિલા સશક્તિકરણ એ વૈશ્વિક સ્તરે એક મહત્ત્વનો પડકાર છે ત્યારે ભારત સરકાર દ્વારા પણ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. મહિલા સશક્તિકરણ એ તેમને સમાજમાં તેમના યોગ્ય અધિકારો પ્રાપ્ત કરવા સક્ષમ બનાવવાનો છે. સમયની સાથે મહિલાઓ માત્ર ઘરના રસોડાં સુધી સીમિત રહી નથી. આજે સરકારી ક્ષેત્ર હોય કે પછી પ્રાઇવેટ જોબ દરેક જગ્યાએ મહિલાઓ જોવા મળે છે. એટલું જ નહીં, મહિલાઓનું વર્ચસ્વ રાજકારણથી માંડીને પાયલોટ બનીને વિમાન ઉડાવવા સુધી છે. ત્યારે આજે આપણે ગુજરાતની એક યુવા સરપંચ વિશે વાત કરીશું. જેને કૉલેજમાંથી પાસ થયા બાદ 22 વર્ષની નાની વયે સરપંચ પદે બિરાજી ગુજરાતની સૌથી યુવા સરપંચ બની છે.
એટલું જ નહીં, સરપંચ બનતાની સાથે તેમણે ગામને સ્વચ્છ બનાવવાની સાથે પંચાયતની આવકમાં પણ વૃદ્ધિ કરાવી દીધી છે. તેમણે વિકાસ અને સ્વચ્છતા માટે તનતોડ મહેનત કરી રહી છે. તેમણે સાબિત કરી દીધું છે કે એક મહિલામાં નેતૃત્વના પણ સારા ગુણો હોય છે. ભલે તે કોઈપણ પદ પર બિરાજમાન હોય.
કોણ છે યુવા સરપંચ કલ્પનાબેન ચૌહાણ
વડોદરા પાસે આવેલા દુમાડ ગામના સૌથી યુવા સરપંચ કલ્પનાબેન ચૌહાણને જુઓ તો માન્યામાં જ ના આવે કે આવો યુવાન ચહેરો એક આખા ગામનું નેતૃત્વ કરતો હશે, પરંતુ આ હકીકત છે. ગામની આ દલિત યુવતી દુમાડના વિકાસ અને સ્વચ્છતા માટે તનતોડ મહેનત કરી રહી છે.
આ પણ વાંચો: ઠાકરશી રબારી મોટી બગાવતના મૂડમાં: કટાક્ષ કરતાં કહ્યું; 'બનાસની બેન ગુલાબની બેન'
ડિસેમ્બર–2022 દરમિયાન યોજાયેલી ચૂંટણીમાં એક હજાર જેટલા મતોથી વિજેતા બનેલા કલ્પનાબેને 17 જાન્યુઆરી 2020ના રોજ દુમાડ ગામના સરપંચનું પદ ગ્રહણ કર્યું. ત્યારે તેમની ઉંમર માત્ર 22 વર્ષ અને બી.કોમ.નો અભ્યાસ પૂર્ણ કૉલેજમાંથી સ્નાતક થઈ બહાર આવ્યા હતા.
કૉલેજથી સીધા ગ્રામ પંચાયતમાં કેવી રીતે આવવાનું થયું ?
જ્યારે તમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે જવાબ આપતાં કહ્યું કે, મારા પિતા કાંતિભાઈ ચૌહાણ પોતે 25 વર્ષથી ગ્રામ પંચાયતના સભ્ય છે. વળી, પીએમ મોદી મહિલા સશક્તિકરણ અને યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપે છે. તેમણે નેતૃત્વનો એક સશક્ત અને સ્વચ્છ ચહેરો દેશ સમક્ષ પ્રસ્તુત કર્યો છે. તેનાથી પ્રેરાઈને સરપંચ બનવાનું નક્કી કર્યું. પિતાનો સહયોગ મળ્યો. ગામ લોકોનો ટેકો મળ્યો.
ગ્રામ પંચાયતની આવક વધારી
સરપંચ બન્યા પછી ગામમાં કરવામાં આવેલા વિકાસકામોની વાત કરતાં કલ્પનાબેને જણાવ્યું હતું કે, ‘અમે ગ્રામ પંચાયતની આવક વધારી છે. વ્યવસાય વેરાની આવક સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ કરી આવકનો સ્ત્રોત મજબૂત કરતા આજે ગ્રામ પંચાયતનું સ્વભંડોળ રૂ. 75 લાખ જેટલું છે. આ ઉપરાંત આ કાર્યકાળમાં અમે રૂ. 14થી 15 કરોડના વિકાસના કામો કર્યા છે. જેમાં માર્ગો, ગામના તળાવનું બ્યુટીફિકેશન, આંગણવાડી, પ્રાથમિક શાળાનું નિર્માણ સહિતના કામોનો સમાવેશ થાય છે.’
પંચાયત કચેરીને જનસેવાનું કેન્દ્ર બનાવ્યું
તેઓ કહે છે, ‘અમે પંચાયત કચેરીને જનસેવાનું કેન્દ્ર બનાવ્યું છે. વિધવા સહાય માટે કેમ્પ રાખીને 260થી વધુ વિધવા મહિલાઓને માસિક આર્થિક સહાય મેળવવામાં અને 50થી વધુ પરિવારોને એનએફએસએ યોજના હેઠળ અનાજ અપાવવામાં મદદરૂપ થયા છીએ. કલ્પનાબેનની શૈક્ષણિક કારકિર્દી પણ ઉજ્જવળ રહી છે. એમએસડબલ્યુના બે સેમેસ્ટરમાં ડિસ્ટિન્ક્શન, કૉલેજ, શાળામાં પણ પ્રથમ વર્ગ મેળવીને તેઓ પાસ થયા છે.’
આ પણ વાંચો: સ્કૂલ પ્રવાસની નવી ગાઇડલાઇનમાં બુદ્ધિનું પ્રદર્શન, ભૂકંપની આગાહી જોઈને કાર્યક્રમ નક્કી કરવાની શરત
રાષ્ટ્રીય સ્તરે પણ દુમાડને માન મળ્યું
દુમાડ ગામને સ્વચ્છ બનાવવા માટે તેમણે કછોટો વાળ્યો છે. ગામમાં ઘરેઘરે જઈને લોકોને સમજાવ્યા છે. શેરી બેઠકો કરી. તેનું પરિણામ મળ્યું. ગામ ચોખ્ખું ચણાક થયું. માત્ર જિલ્લા સ્તરે જ નહીં, રાષ્ટ્રીય સ્તરે પણ દુમાડને માન મળ્યું. બીજી ઑક્ટોબરે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા સ્વચ્છ ભારત દિવસના કાર્યક્રમાં ઉપસ્થિત રહેવા ગુજરાતમાં માત્ર કલ્પનાબેનને જ આમંત્રણ મળ્યું હતું.
દુમાડ ગામમાં ઘરેઘરેથી કચરો એકત્ર કરવામાં આવે છે. તેનું સેગ્રિગેશન કરવામાં આવે છે. કચરે સે આઝાદી ફાઉન્ડેશનની મદદથી આ પ્લાસ્ટિકના કચરાને વિવિધ વસ્તુઓમાં પરિવર્તિત કરવામાં આવે છે. ગામના તળાવ ફરતે મૂકવામાં આવેલા બાંકડા પૈકી કેટલાક આ પ્લાસ્ટિકમાંથી બન્યા છે.
દુમાડની કમાન મહિલાઓના હાથમાં
દુમાડ ગામમાં 1326 ઘરો છે. ગામની વસ્તી 5244 છે. જેમાંથી સ્ત્રીની સંખ્યા 2557 અને પુરુષની સંખ્યા 2687 છે. ગામના તલાટી મંત્રી મિતાબેન ચૌધરી અને ઉપ સરપંચ ઉષાબેન પરમાર છે. ગામનું સુકાન મહિલાઓના હાથમાં છે. ગ્રામજનો અને પંચાયતના સભ્યોના સામૂહિક પ્રયત્નોથી દુમાડ આદર્શ ગામ બન્યું છે.