Get The App

હવે ગુજરાતમાં આ સ્થળે સહેલાઈથી જોવા મળશે ડોલ્ફિન, બે જ વર્ષમાં વસતી 200% વધી

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
હવે ગુજરાતમાં આ સ્થળે સહેલાઈથી જોવા મળશે ડોલ્ફિન, બે જ વર્ષમાં વસતી 200% વધી 1 - image


Dolphin Tourism in Gujarat : ભારતમાં તમામ રાજ્યોમાં સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાતને મળ્યો છે. રાજ્યના દરિયામાં જાતભાતના દરિયાઈ જીવો જોવા મળે છે, એમાંની એક છે ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફિન. તાજેતરમાં આ વિશિષ્ટ જીવ સંબંધિત ખુશ ખબર આવ્યા છે. ચાલો જાણીએ કે શું છે એ સમાચાર અને કેવી છે આ ડોલ્ફિન.

સંવર્ધનમાં મળેલી સફળતા

‘ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર’ (IUCN) દ્વારા ‘ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફિન’ને ‘સંવેદનશીલ’ (vulnerable) તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. હિંદ મહાસાગરના આ રૂપકડા રહીશ ‘સંવેદનશીલ’માંથી ‘લુપ્તપ્રાય’ ન થઈ જાય એ માટે છેલ્લા ઘણાં સમયથી એના સંવર્ધનના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ‘પ્રોજેક્ટ ટાઈગર’ની તર્જ પર કેન્દ્ર સરકાર દ્વારા ‘પ્રોજેક્ટ ડોલ્ફિન’ શરૂ કરાયો છે, જેના ફળસ્વરૂપ ડોલ્ફિનની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી છે, એ છે ગુડ ન્યૂઝ. ગુજરાતના દરિયાકિનારે 2022 માં આ ડોલ્ફિનની સંખ્યા 221 નોંધાઈ હતી જે 2024માં વધીને 678 થઈ છે. આ વૃદ્ધિ 200 ટકાથી વધારે છે. ભારતમાં ડોલ્ફિનના સંરક્ષણ-અભિયાનનું સંચાલન ‘વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયા’ દ્વારા કરવામાં આવે છે.

હવે ગુજરાતમાં આ સ્થળે સહેલાઈથી જોવા મળશે ડોલ્ફિન, બે જ વર્ષમાં વસતી 200% વધી 2 - image

કેવા કેવા પ્રયાસ થઈ રહ્યા છે ડોલ્ફિન સંવર્ધન માટે?

ડોલ્ફિનના સંરક્ષણ માટે એના શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડોલ્ફિન જાગૃતિ અભિયાન અંતર્ગત માછીમારોને તથા દરિયાકિનારે વસતા લોકોને ‘આ ડોલ્ફિન પર્યાવરણીય સંતુલન માટે કેટલી મહત્ત્વની કડી છે’ એ બાબતે માહિતગાર કરવામાં આવે છે. 3,500 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા સર્વેક્ષણ વિસ્તારમાં ડોલ્ફિનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નજીકના ભવિષ્યમાં કોસ્ટ ગાર્ડના સભ્યો, સ્થાનિક પોલીસ અને વન અધિકારીઓનો સમાવેશ કરીને ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવનાર છે. 

શરૂ થશે ડોલ્ફિન ટુરિઝમ

જુદાજુદા પ્રકારના વન્યજીવ જોવાના શોખીન લોકો માટે વધુ એક ગુડ ન્યૂઝ છે કે, ટૂંક સમયમાં ગુજરાતના દરિયામાં ડોલ્ફિન ટુરિઝમ શરૂ થવા જઈ રહ્યું છે. ડોલ્ફિન-દર્શન માટે પ્રવાસીઓને બોટમાં બેસાડીને મીઠાપુર અને ઓખાના દરિયામાં લઈ જવામાં આવશે. દ્વારકા મંદિર અને શિવરાજપુર બીચની મુલાકાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાથી ડોલ્ફિન ટુરિઝમ માટે ઉપરોક્ત સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે. પ્રવાસનને કારણે ડોલ્ફિનની વસ્તીને ખલેલ ન પહોંચે અને તેમના નિવાસસ્થાન સુરક્ષિત રહે તેનું ધ્યાન રાખવામાં આવશે. આ વર્ષે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન ડોલ્ફિન ટુરિઝમ માટે એમઓયુ કરવામાં આવ્યા હતા. 

કેવી છે આ ડોલ્ફિન? 

‘ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફિન’ એ મધ્યમ કદની ડોલ્ફિન છે. તેની લંબાઈ 2 થી 2.8 મીટર (6.6 થી 9.2 ફૂટ) અને વજન 150 થી 200 કિલો સુધીનું હોય છે. તેની પીઠ પર ચરબીની બનેલી ખૂંધ છે, જે તેને ડોલ્ફિનની અન્ય પ્રજાતિઓથી અલગ પાડે છે. તેનો રંગ ઘેરો રાખોડી હોય છે.

શું છે વસવાટ ક્ષેત્ર અને આહાર?

આ ડોલ્ફિન મુખ્યત્વે દક્ષિણ આફ્રિકાથી લઈને આરબ દેશ અને ભારત તથા બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળે છે. એની મહત્તમ વસતી આરબ દેશોના દરિયામાં છે. ‘સોસા પ્લમ્બિયા’ જેવું સાયન્ટિફિક નામ ધરાવતી આ ડોલ્ફિન સરેરાશ 12 ના જૂથમાં રહે છે. તેનો આહાર સાયએનિડ માછલીઓ, સેફાલોપોડ્સ (સ્ક્વિડ, ઓક્ટોપસ, કટલફિશ જેવા મૃદુકાય જળચરો) અને ક્રસ્ટેશિયન્સ (કરચલા, ઝીંઘા જેવા કવચ ધરાવતા જીવો) છે.

સંવેદનશીલ જીવને અનેક જોખમ 

ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફિન ઊંડા સમુદ્રમાં નથી રહેતી, દરિયાકિનારાના છીછરા પાણીમાં રહે છે, જેને લીધે માનવપ્રવૃત્તિઓ સતત તેના જીવનમાં ખલેલ કરતી રહે છે. એનો ગેરકાયદે શિકાર થાય છે અને જહાજો સાથે ટકરાઈને પણ એ મૃત્યુ પામે છે. અવાજ પ્રતિ સંવેદનશીલ હોવાથી ધ્વનિ પ્રદૂષણને કારણે પણ એને જીવનું જોખમ રહે છે. જોકે, આ ડોલ્ફિનને સૌથી મોટો ખતરો જળપ્રદૂષણનો છે. ફેક્ટરીઓનો રસાયણયુક્ત કચરો નદીઓ દ્વારા દરિયામાં ભળતો હોય છે, જે અન્ય જીવોની જેમ આ ડોલ્ફિન માટે પણ જાનલેવા સાબિત થાય છે. શિકાર થતી ઘણી ડોલ્ફિનના શરીરમાં જોખમી કહેવાય એટલી હદે ઝેરી રસાયણો મળી આવ્યા છે. 

ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફિન લુપ્તપ્રાય ન થઈ જાય એ માટે એના સંવર્ધન અને જતન માટે ઘણાં દેશ કામ કરી રહ્યા છે અને ભારત એમાંનું એક છે. તાજેતરમાં આવેલા સમાચાર એની સાબિતી છે.


Google NewsGoogle News