ગુજરાતના કૃષિ વિભાગે સરકારી નોકરીનું સપનું રોળ્યું, નવી જગ્યા ઉભી કરવાને બદલે 144 જગ્યાઓ રદ કરી
Agriculture Department : રાજ્યમાં સતત શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સરકારી નોકરી માટે જગ્યા પડે છે ત્યારે 1 પોસ્ટ માટે 10 થી 20 ગણા ઉમેદવારી ફોર્મ ભરાય છે. યુવાનો સરકારી નોકરી માટે રાત-દિવસ જોયા વિના સતત સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નિયંત્રણ હેઠળ આવેલા ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ નિગમની 144 જગ્યાઓ રદ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેને લીધે સરકારી નોકરીની તૈયારીઓ કરતા યુવાનોમાં નિરાશા વ્યાપી ગઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા વેર હાઉસ નિગમની 144 જગ્યાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ગ-3 અને વર્ગ-4 આ જગ્યાઓ પર ભરતી કરવાને બદલે હયાત જગ્યાઓ રદ કરવામાં આવી છે. આ સમાચારથી સરકારી નોકરીની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારોમાં નિરાશા વ્યાપી જવા પામી છે.
ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ નિગમ દ્વારા રજૂ થયેલા દરખાસ્ત પર વિચારણા બાદ આ નિયમનું અમલ થશે. કૃષિ અને સહકાર વિભાગના સચિવે જણાવ્યું કે આ પગલું વિભાગની કાર્યક્ષમતા અને કાર્યક્ષેત્રની સુધારણા માટે મહત્વપૂર્ણ છે.
રદ કરાયેલા પદોની યાદી:
ક્રમ | સંવર્ગનું નામ | વર્ગ | રદ કરવાની જગ્યા |
1 | સીનીયર સુપરવાઇઝર | વર્ગ-3 | 01 |
2 | ઓફીસ સુપ્રિન્ટેન્ડન્ટ | વર્ગ-3 | 01 |
3 | આસીસ્ટન્ટ એકાઉન્ટ ઓફીસર | વર્ગ-3 | 01 |
4 | ઓ.એસ. ટુ ડી.જી.એમ. | વર્ગ-3 | 01 |
5 | ઓ.એસ. ટુ. પોર્ટ | વર્ગ-3 | 01 |
6 | હેડ એકાઉન્ટન્ટ | વર્ગ-3 | 01 |
7 | ઈન્ટરનલ ઓડીટર | વર્ગ-3 | 03 |
8 | સીનીયર એકાઉન્ટન્ટ | વર્ગ-3 | 02 |
9 | મદદનીશ | વર્ગ-3 | 02 |
10 | જુનીયર એકાઉન્ટન્ટ | વર્ગ-3 | 03 |
11 | ટેકનીકલ મદદનીશ | વર્ગ-3 | 02 |
12 | સુપરવાઈઝર | વર્ગ-3 | 03 |
13 | ક્લાર્ક, ટાઈપીસ્ટ / ક્લાર્ક કમ ટાઈપીસ્ટ | વર્ગ-3 | 23 |
14 | ટેલીફોન ઓપરેટર | વર્ગ-3 | 01 |
15 | ડ્રાઈવર | વર્ગ-3 | 04 |
16 | પટાવાળા / ચોકીદાર | વર્ગ-4 | 95 |
કુલ | 144 |
અત્રે ઉલ્લેખનીય છે એક તરફ સરકાર દ્વારા યુવાનોને રોજગાર અને નોકરીની મોટી મોટી વાતો કરી રહી છે. ત્યારે સરકારના જ કૃષિ વિભાગ દ્વારા જગ્યાઓ રદ કરવાનો વિચિત્ર નિર્ણય કેમ લેવામાં આવ્યો તે પ્રશ્ન ઉમેદવારોને સતત સતાવી રહ્યો છે. એક તરફ યુવાનો સરકાર દ્વારા મોટી ભરતી બહાર પાડવામાં આવે તેની રાહ જોઇ રહ્યા છે, જેના માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. ત્યારે અચાનક સરકારના આ નિર્ણયથી યુવાનોમાં નારાજગી પ્રવતર્તી જોવા મળી રહી છે.