ઋત્વી ચૌહાણે મિસિસ યુનિવર્સ 2024માં મેળવ્યો છઠ્ઠો ક્રમાંક, વલસાડ-ગુજરાતનો માન્યો આભાર
Mrs Universe 2024 : ગુજરાતના મૂળ ભરૂચની વતની અને હાલ અમેરિકામાં રહેતી ઋત્વી ચૌહાણે હાલમાં જ સાઉથ કોરિયામાં યોજાયેલી 47મી મિસિસ યુનિવર્સ 2024માં 100 દેશમાંથી છઠ્ઠો ક્રમાંક મેળવ્યો છે. જણાવી દઈએ કે, આ અગાઉ ઋત્વી ચૌહાણે મિસિસ યુનિવર્સ USA 2024માં ક્રાઉન જીત્યો હતો. ઋત્વીએ સતત બીજી વખત ગુજરાત અને ભારત સહિત અમેરિકાનું પણ ગૌરવ વધાર્યું છે. હાલ તેના માતા-પિતા ભરૂચમાં રહે છે અને તેઓ પણ ગર્વ અનુભવી રહ્યા છે. ત્યારે હવે ઋત્વી ચૌહાણે વલસાડ અને ગુજરાતનો આભાર માન્યો છે.
ઋત્વી ચૌહાણે વીડિયો દ્વારા આભાર વ્યક્ત કરતા કહ્યું છે કે, 'હું મિસિસ યુનિવર્સ 2024માં ટોપ 6માં પહોંચી છું. તે બદલ વલસાડનો આભાર. મીડિયા-ન્યૂઝ પેપર અને સંબંધીઓનો પણ આભાર જેમણે મારી વાત ઘરે ઘરે પહોંચાડી છે. મને ગર્વ થાય છે અને મારો પરિવાર ખુબ ખુશ છે. વલસાડમાં હું જ્યાં જ્યાં શોપિંગ કરતી ત્યાં હું પાછી આવવાની જ છું.' મિસિસ યુનિવર્સ બનવા સમયની વાતને યાદ કરતા તેમણે કહ્યું કે, 'હું ગુજરાતી રીતે તૈયાર થઈને ગઈ હતી. ત્યારે મિસિસ યુનિવર્સ બની હતી. ગુજરાતની દીકરી ત્યાં પણ નામ કરી ગઈ હતી. મને મારા કલ્ચર પર ગર્વ છે.'
અન્ય એક વીડિયોમાં તે કહી રહી છે કે, 'મારો જન્મ વલસાડમાં થયો છે અને હું વલસાડી છું. તિથલ પણ જવું તે મારા બાળપણનો ભાગ છે. દરેક વેકેશનમાં હું મારા મામાના ઘરે હોવ. વલસાડ મારા નાનીના હાથની નવી નવી વાનગીઓ ખાવ. વલસાડથી હું ખરીદી પણ કરતી. તેથી વલસાડ મારી ખુબ નજીક છે.'
જણાવી દઈએ કે, ઋત્વી ચૌહાણનો જન્મ વલસાડમાં થયો હતો. ત્યારબાદ તેનો પરિવાર ભરૂચમાં સ્થાયી થયો હતો. જેમાં તેણે પ્રાથમિક શિક્ષણ ભરૂચની કોન્વેન્ટ સ્કુલમાંથી અને ધો 11-12 ની પરીક્ષા જીએનએફસી સ્કુલથી પાસ કરી હતી. ત્યારબાદ ફિઝીયો થેરાપીસ્ટની ડિગ્રી સ્વામીનારાયણ ફિઝિયોથેરાપી કોલેજ- કડોદરા સુરત(2004-2009)માં મેળવી હતી. વર્ષ 2010માં એચ-1 વીઝા મેળવી અમેરિકા મીસીગન સ્ટેટમાં પહોંચી અને નોકરીની શરૂઆત કરી હતી. વર્ષ 2017માં તેણે ફિઝિયોથેરાપીસ્ટનો વ્યવસાયની સાથે મોડેલીંગ, ડાન્સિંગની પણ શરૂઆત કરી હતી. બે બાળકોની માતા ઋત્વીના પતિ યશેષ પંચાલ અને તેમનો મોટો પુત્ર રિષવ અને પુત્રી અરના અને સાસુ હિના પંચાલ અને સસરા જીતેન્દ્ર પંચાલના સપોર્ટમાં આગળ વધી રહી છે.