Get The App

અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતાં પટેલ પરિવારની ધરપકડ, CBIએ કલોલથી એજન્ટને ઝડપી પાડ્યો

Updated: Apr 15th, 2025

GS TEAM


Google News
Google News
અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતાં પટેલ પરિવારની ધરપકડ, CBIએ કલોલથી એજન્ટને ઝડપી પાડ્યો 1 - image


US Illegal Immigrants: કેનેડા સરહદેથી અમેરિકામાં ઘૂસણખોરી કરતાં ઝડપાયેલા પરિવારે કલોલના જીતુ પટેલ નામના એજન્ટે બધી ગોઠવણ કરી હોવાનો ભાંડો ફોડતાં સીબીઆઈએ જીતુ પટેલને કલોલથી પકડીને વધુ તપાસ હાથ ધરી છે. કેનેડા સરહદેથી ઝડપાયેલા મહેસાણાના પટેલ પરિવારના પતિ-પત્ની અને પુત્રને અમેરિકન સત્તાધીશોએ ભારત ડિપોર્ટ કરી દીધાં હતાં અને તેમની ધરપકડ પણ કરાઈ છે. આ ત્રણેયની છેલ્લાં ચાર દિવસથી નવી દિલ્હી ખાતે સીબીઆઈ હેડક્વાર્ટરમાં પૂછપરછ ચાલી રહી છે. 

50 જેટલા લોકોને કબૂતરબાજીથી વિદેશ મોકલ્યા

જીતુ પટેલ પહેલાં પણ ગુજરાતમાંથી 50 જેટલાં લોકોને કબૂતરબાજી દ્વારા વિદેશ મોકલી ચૂક્યો છે. જીતુની પૂછપરછમાં તેમનાં નામ બહાર આવશે તો અમેરિકામાં તેમના પર પણ તવાઈ આવશે અને તેમને પણ ડિપોર્ટ કરાશે. સીબીઆઈના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, જીતુ પટેલે પોતાના નેટવર્ક મારફતે પોતાના કલાયન્ટને કેનેડા બોર્ડર પરથી ઘૂસણખોરી કરાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘૂસણખોરી કરતાં ઝડપાયેલાં લોકોએ પોતાને ગેરકાયદે ઘૂસાડવાની આ વ્યવસ્થા કલોલના જીતુ પટેલ નામના એજન્ટે કરી આપી હોવાની વિગતો આપી હતી. જેના કારણે તપાસનો રેલો કલોલ સુધી પહોંચ્યો છે. સીબીઆઈને આ ઈનપુટ મળતા જ જીતુ પટેલને કલોલથી ઝડપી આ અંગે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ નાગાલેન્ડથી બંદૂકનું લાઇસન્સ લાવ્યો હતો ગુજરાતનાં મંત્રીનો પુત્ર: લાઇસન્સ કૌભાંડમાં વધુ એક ધડાકો

CBIએ હાથ ધરી તપાસ

કબૂતરબાજીના આ રેકેટમાં એક વ્યક્તિને ગેરકાયદે ઘૂસાડવાના જીતુ પટેલ કેટલા પૈસા વસૂલતો હતો તે અંગેની સીબીઆઈએ ઝીણામાં ઝીણી બાબતોની તપાસ હાથ ધરી છે. જીતુ સાથે કોણ-કોણ સંકળાયેલુ છે અને અત્યાર સુધી કેટલા લોકોને ગેરકાયદે અમેરિકા પહોંચાડી દીધા છે અને એ લોકો ક્યાં છે તે તમામ બાબતોની હાલ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ: અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે પણ માફિયા કેમ પકડાતા નથી?

જીતુ પટેલનું ચરણજીત સાથે કનેક્શન હોવાની આશંકા 

કબૂતરબાજીના મસમોટા રેકેટનો અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો હતો. આ રેકેટમાં 22 આરોપીઓને પકડીને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. બોબી પટેલ આ રેકેટનો સૂત્રધાર હતો. કબૂતરબાજીના માસ્ટર માઈન્ડ ચરણજીત સીંહ, મુન્નો ખત્રી અને મહેકન પટેલ વિદેશ ભાગી ગયા છે. ચરણજીત સીંહ પંજાબનો છે અને પોલીસને મળેલી માહિતી પ્રમાણે તે અમેરિકા ભાગી ગયો છે. આ ઉપરાંત પોલીસનું માનવું છે કે, મહેકન પટેલ પણ અમેરિકામાં જ છે. પોલીસ તપાસમાં મુન્ની ખત્રી કેનેડામાં હોવાનું સામે આવ્યું છે. જેના કારણે પોલીસે આ ત્રણેય આરોપીઓ સામે રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરી દીધી છે. પ્રત્યાર્પણ માટે અમેરિકા અને કેનેડા સરકારનો સંપર્ક કરવા સુધીની કાર્યવાહી પોલીસ દ્વારા કરી દેવાઈ છે. સીબીઆઈએ જે આરોપી પકડ્યો છે તે જીતુ પટેલનું પણ આરોપી સાથે કોઈ કનેક્શન છે કે કેમ તે વિશે તપાસ હાથ ધરવામાં આવી છે. 


Tags :