કાબિલે દાદ છે ગુજજુ ખેડૂતનું દિમાગ, ખેતરના શેઢે માત્ર 7 વૃક્ષો ઉગાડી ઉભી કરી બેઠી આવક
Gujarat Agriculture News: સાવલી તાલુકાના વાંકાનેરના અને ગાય આધારિત ખેતીને, પ્રાકૃતિક ખેતીને વરેલા ખેડૂતે ખેતર શેઢાની નકામી પડી રહેતી જમીનમાં વિટામિનોથી સમૃદ્ધ પોમેલો ફળના સાત વૃક્ષો વાવ્યા છે જે તેમને નિયમિત બેઠી આવક આપે છે જેને અંગ્રેજી માં ગ્રેપ ફ્રૂટ તરીકે ઓળખવામાં આવે છે.
ગુજરાતના ખેડૂતો સતત ખેતીમાં અવનવા અખતરા કરી રહ્યા છે આ સાથે જ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને પ્રેરિત કરવામાં ગુજરાતના વર્તમાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ફાળો રહ્યો છે. આ ઉપરાંત રાજ્ય સરકાર ગાય આધારિત ખેતી અને ગૌ પાલનને પ્રોત્સાહન પુરૂ પાડવામાં યોજના પણ અમલમાં મુકી છે.
આજે અમે તમને ગુજરાતના સાવલી તાલુકાના વાંકાનેરના ખેડૂત ધર્મેશ પટેલ સાથે રૂબરૂ કરાવીશું. જેમણે ખેતરના શેઢાની અને બિન ઉપયોગી પડેલી જમીનમાં માત્ર 7 વૃક્ષો ઉગાડીને બેઠી આવક ઉભી કરી છે. આજે આ 7 વૃક્ષો તેમના માટે સોનાના ઈંડા આપતી મુરઘી સમાન સાબિત થઇ રહ્યા છે.
એકવાર ધર્મેશભાઇના ત્યાં બેંગ્લોરથી મહેમાન તેમના ઘરે આવ્યા હતા ત્યારે તેમની સાથે પોમેલો ફળ લાવ્યા હતા. ગણેશ ઉત્સવ ચાલી રહ્યો હોવાથી મોટા કદની મોસંબી જેવા અને લીંબુ કુળની આ વનસ્પતિના ફળનો તેમણે ગણપતિ દાદાને ભોગ ધર્યો અને આ ફળમાંથી નિકળેલા બીજને તેમણે ખેતર શેઢાની અને બિન ઉપયોગી પડી રહેતી રોપી દીધા અને આ રીતે આ જમીનમાં 7 પોમેલો વૃક્ષો ઉછેર્યા. આજે ઘટાટોપ ઉગી નીકળેલા આ વિરાટ વૃક્ષો લગભગ ચોમાસાની શરૂઆતથી શિયાળા સુધી મહાકાય કહી શકાય એવા ફળ આપે છે.
ઘેરબેઠા થાય છે વેચાણ
ખેડૂત ભર્મેશભાઇના જણાવ્યા અનુસાર સિઝનમાં એક વૃક્ષ સરેરાશ 500 થી 600 જેટલા પોમેલો ફળ આપે છે જેના વેચાણથી એમને વૃક્ષ દીઠ વાર્ષિક 50 હજારથી વધુ આવક થાય છે. તેઓએ આ વર્ષે પોમેલોના ત્રણ છોડ વેચીને રૂ.15,500ની આવક મેળવી હતી. તેના ઉછેરથી બિન ઉપયોગી પડી રહેતી જમીનનો આવક આપતો વપરાશ શક્ય બન્યો છે. તેમના કહેવા મુજબ છેક અમદાવાદથી લોકો આ ફળ લઈ જાય છે, ઘેરબેઠાં વેચાણ થાય છે.
પોમેલો ફળની ખાસિયત
આ વૃક્ષના ફળને તમે નારિયેળ જેવડું લીંબુ કે મોસંબી ગણાવી શકો. ખૂબ જાડી દળદાર છાલ વચ્ચે દડા જેવી રસભર પેશીઓ આ ફળની ખાસિયત છે. એના ફળ અને છાલના વિવિધ ઔષધીય ઉપયોગો છે.
ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે ખેતરના શેઢાપાળાની જમીન બિન વપરાશી પડી રહે છે ત્યારે આ ફળની વૃક્ષ ખેતી કરવા જેવી છે. તેનાથી વધારાની આવક થાય છે અને આ ફળના સેવન થી પરિવારની તંદુરસ્તીની કાળજી લઈ શકાય છે.
પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી
ધર્મેશભાઈ તેમના ખેડૂતમિત્રો સાથે મળીને પ્રાકૃતિક ખેતીની શિબિરમાં ભાગ લઇ તાલીમ મેળવી હતી. આજે આ તમામ મિત્રો તેમની ખેતીમાં ગાયના છાણ,મૂત્રનો વિવિધ રીતે ઉપયોગ કરી રહ્યાં છે.રસાયણો થી ખેતરો ને મુક્ત રાખવા અને શુદ્ધ ખેતી કરવી એ એમનું ધ્યેય છે.
લોકલ લેવલે ગ્લોબલ વોર્મિંગ ટાળવાનો પ્રયાસ
ધર્મેશભાઈ ગાય પાળે છે અને એમના ખેતરમાં ગાયના મૂત્ર અને ગાયના દૂધમાંથી બનાવેલી ખાટી છાશના પિપડા ભરેલા પડ્યા છે. તેઓ કહે છે કે મોંઘા યુરિયાનો સસ્તો વિકલ્પ આ ખાટી છાસ અને ગૌ મૂત્રમાં થી બનાવેલું જીવામૃત છે. તેઓ એટલે સુધી દાવો કરે છે કે ગ્લોબલ વોર્મિંગને લોકલ લેવલે ટાળવાનો ઉત્તમ ઉપાય ગાય આધારિત ખેતી બની શકે છે. ભારતના ,ગુજરાતના ખેડૂતો હંમેશા પ્રયોગશીલ રહ્યાં છે. તેમના પ્રયોગો મોટેભાગે દેશ અને રાજ્ય માટે, ખેતી અને ખેડૂતો માટે લાભપ્રદ અને દિશા સૂચવનાર બની રહ્યાં છે. તેવા સમયે ધર્મેશભાઈ અને તેમના સાથી ખેડૂતોની ગાય આધારિત ખેતીના પ્રયોગોની અન્ય ખેડૂતો પરખ કરે, થોડી જમીનમાં એનો પ્રયોગ કરી જુવે એ લાભકારક બની શકે એવું લાગે છે.