સલામત ગુજરાતમાં મહિલાઓ જ અસલામત! 5011નો કોઈ અતોપતો નથી, કેન્દ્ર સરકારે જ પોલ ખોલી
Women Missing In Gujarat: 'બેટી બચાવો-બેટી પઢાઓ', 'ગુજરાતમાં દિકરીઓ સુરક્ષિત છે' તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ વાત પોકળ સાબિત થઈ છે તેનુ કારણ એ છે કે, સલામત ગુજરાતમાં મહિલાઓ જ સલામત રહી નથી. ખુદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે લોકસભામાં આકડા રજૂ કર્યાં છે કે, ગુજરાતમાં વર્ષ 2022 સુધીમાં 5011 મહિલાઓનો કોઈ અતોપતો નથી. આ ડરામણું ચિત્ર ચિંતા ઉપજાવે તેમ છે.
દર મહિને અંદાજે 800 મહિલાઓ ગૂમ થાય છે
મહિલાઓ અડધી રાત્રે ફરી શકે છે તેવી ડીંગો હાંકવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં દર મહિને અંદાજે 800 મહિલાઓ કોઈને કોઈ કારણોસર ગૂમ થાય છે. પારાવારિક વિવાદ-ઘરકંકાશ, પ્રેમલગ્ન, માનસિક બિમારી જેવા કારણોસર મહિલાઓ ઘર છોડી જાય છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે લોકસભામાં વિગતો આપી કે, ગુજરાતમાં વર્ષ 2020માં કુલ 11,817 મહિલાઓ ગૂમ થઈ હતી જયારે વર્ષ 2021માં 13,747 મહિલાઓ અને વર્ષ 2022માં 13,548 મહિલાઓ ગૂમ થઈ હતી. માત્ર ત્રણ વર્ષમાં જ કુલ મળીને 39,112 મહિલાઓનો ગૂમ થઈ હતી.
વર્ષે આઠેક હજાર મહિલાઓ ગૂમ થાય છે
પોલીસનું કહેવુ છે કે, લાપતા મહિલાઓનું યૌન શોષણ થાય છે કે ઓર્ગન ટ્રાફિકીંગનો કોઇ કિસ્સો અત્યાર સુધી ધ્યાને આવ્યો નથી. બીજુ કે, મહિલા ગૂમ થાય ત્યારે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાય છે પણ મહિલા મળી આવે ત્યારે પોલીસને જાણ કરાતી નથી. પરિણામે ખોવાયેલી મહિલા પોલીસે ચોપડે યથાવત રહે છે. જોકે, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધીઓનું માનવુ છે કે, ઘણાં ખરાં કિસ્સામાં મહિલાઓને ગુજરાત સિવાય અન્ય રાજયમાં મોકલવામાં આવે છે અને વેશ્યાવૃતિમાં ધકેલવા મજબૂર કરવામાં આવે છે.
કેન્દ્ર સરકારે જ ગુજરાતમાં મહિલાઓની સલામતીની પોલ ખોલી
ખુદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે જ ગુજરાતમાં મહિલાઓ કેટલી હદે સલામત છે તે અંગેની પોલ ઉઘાડી પાડી છે કેમકે, ત્રણ વર્ષમાં 24,869 મહિલાઓની તો ભાળ મળી શકી છે પણ ૫૦૧૧ મહિલાઓનો હજુ સુધી કોઇ અતોપતો નથી. ટૂંકમાં ગુજરાતમાં દર વર્ષે ૮ હજાર મહિલાઓ ગૂમ થાય છે. એવુ ય જાણવા મળ્યુ છેકે, ગૂમ થયેલી વ્યક્તિને શોધવા માટે પોલીસ પાસે કોઈ ચોક્કસ વ્યવસ્થા નથી. બ્રિટીશ યુગની જેમ તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત આવા કિસ્સામાં પોલીસ ગંભીરતા પણ દાખવતી નથી પરિણામે આ પરિસ્થિતીનું નિર્માણ થયુ છે.