Get The App

કેન્દ્રીય બજેટમાં ગુજરાતને રેલવે માટે 17,155 કરોડ, 50 નમો ભારત, 100 અમૃત ભારત અને 200 વંદે ભારત ટ્રેન શરૂ કરાશે

Updated: Feb 4th, 2025


Google NewsGoogle News
કેન્દ્રીય બજેટમાં ગુજરાતને રેલવે માટે 17,155 કરોડ, 50 નમો ભારત, 100 અમૃત ભારત અને 200 વંદે ભારત ટ્રેન શરૂ કરાશે 1 - image


Union Budget 2025 : કેન્દ્રીય બજેટમાં રેલવેને રૂ.2.52 લાખ કરોડની ફાળવણી કર્યા બાદ રેલવે મંત્રીએ વર્ચ્યુઅલ બેઠક યોજી વિવિધ ઝોનમાં બજેટની ફાળવણી કરી હતી. જેમાં ગુજરાતને રૂ.17,155 કરોડની રકમ ફાળવવામાં આવતાં આગામી સમયમાં નવા સ્ટેશનો, નવા ટ્રેક અને માળખાકિય સુવિધાઓ વધારવા પાછળ આ રકમનો ખર્ચ કરાશે. અત્રે ઉલ્લખેનિય છેકે, વેસ્ટર્ન રેલવે હેડક્વાટર્સને મુંબઈથી અમદાવાદ ખસેડવાની વર્ષો જૂની માંગ હજુ પણ સંતોષવામાં ન આવતાં રેલવેને લગતી કામગીરી માટે લોકોને મુંબઇ સુધીના ધક્કા ખાવા પડશે. 

કેન્દ્રીય બજેટમાં દેશના રાજ્યોમાં વિવિધ ક્ષેત્રે બજેટની ફાળવણી કરવામાં આવી હતી. વર્ષ 2014 બાદ રેલવેને પણ બજેટમાં સામેલ કરવામાં આવતાં આ વર્ષે રેલવેને 2.52 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જેને લઈ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ યોજી વિવિધ ઝોનને ફાળવવામાં આવેલા બજેટ અંગેની જાણકારી આપી હતી. 

જેમાં ગુજરાતને વર્ષ 2014 પહેલાંની સરેરાશની સરખામણીએ 29 ગણી વધારે રકમ ફાળવાઈ હોવાનો દાવો તેમણે કર્યો છે. જેમાંથી ગુજરાતમાં 87 જેટલા સ્ટેશનોને વિકસિત કરવા તેમજ નવા ટ્રેક અને માળખાકીય સુવિધામાં વધારો કરવામાં આવશે. તાજેતરમાં અમદાવાદ-ભુજ વચ્ચે શરૂ કરવામાં આવેલી નમો ભારત રેપીડ રેલ માફક આગામી સમયમાં દેશભરમાં વધુ 50 જેટલી નમો ભારત ટ્રેન, 100 અમૃત ભારત ટ્રેન અને 200 જેટલી વંદે ભારત ટ્રેન શરૂ કરવાનું રેલવેએ આયોજન કર્યું છે. 

આ ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યાં પ્રમાણે અત્યાર સુધીમાં ગુજરાતમાં 2,739 કિમી નવા ટ્રેકનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે ડેનમાર્કના સમગ્ર રેલવે નેટવર્ક કરતાં પણ વધારે છે.  તેમજ ગુજરાતમાં અત્યાર સુધીમાં 3,144 કિમીમાં 97 ટકા વિદ્યુતિકરણ કરવામાં આવ્યું છે.


Google NewsGoogle News