પતંગરસિયાઓનું ટેન્શન વધારતી હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં ઠંડીનું જોર વધશે!
Gujarat Weather Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે ગુજરાતમાં ઠંડીના ચમકારામાં ફરી વધારો થયો છે. જેના પગલે છેલ્લા 24 કલાકમાં અનેક શહેરોના સરેરાશ લઘુતમ તાપમાનમાં 6 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા લોકો ઠુંઠવાયા હતા. બીજી બાજુ આજે સવારથી સુસવાટાભેર પવન ફૂંકાતા ઠંડીમાં ચમકારો વધી ગયો છે.
હવામાન વિભાગે શું કહ્યું?
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહે તેવી શક્યતા છે. જ્યારે અંબાલાલ પટેલ ભરશિયાળે માવઠાની આગાહી કરી રહ્યા છે. ત્યાં હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાકમાં તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાવાની શક્યતા છે. જોકે ત્યારપછી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ફરી વધારો થશે તેવી પણ આગાહી છે પરંતુ ત્યાં સુધીમાં ઉત્તરાયણ આવી જશે અને પતંગ રસિયાઓને ભારે ઠંડીનો સામનો કરવો પડી શકે છે.
નલિયામાં તાપમાન ગગડ્યું
માહિતી અનુસાર નલિયામાં 5.6 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જતાં લોકો ઠુઠવાયા હતા. આ સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 5 ડિગ્રીનો ઘટાડો હતો. જોકે બીજી બાજુ પોરબંદર, રાજકોટ, અમરેલી, ભુજ, ડીસા, જામનગરમાં પણ તાપમાન ગગડ્યું હતું. જ્યારે અમદાવાદની વાત કરીએ તો અહીં શુક્રવારની રાતે 13.9 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું. નિષ્ણાતોના મતે અહીં પણ પારો ગગડી શકે છે.