અમદાવાદ અને રાજકોટના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે ધોધમાર વરસાદ
Gujarat Rain: રાજ્યના વિવિધ ભાગોમાં છેલ્લા ઘણાં દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે. આજે (14મી જૂન) સાંજે શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શરુઆત થઈ છે. આ ઉપરાંત રાજકોટમાં અનેક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પડ્યો હતો. નોંધનીય છે કે આજે સવારે ડાંગના આહવામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા.
રાજકોટના અનેક વિસ્તારમાં વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, નાના મવા અને મવડી સહિતના વિસ્તારમાં ધીમેધારે વરસાદ વરસી રહ્યો હતો. આજે વરસાદના શ્રીગણેશ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભારે બફારા બાદ લોકોને ગરમીથી રાહત મળી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યના વિવિધ ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડશે. પરંતુ 17મીથી 22મી જૂન દરમિયાન જે વરસાદ પડશે તે ભારે પવન સાથે હશે. જેમાં કેટલાક સ્થળોએ વૃક્ષો પડવાની અને કાચા મકાનોના છાપરા ઉડી જવાની પણ શક્યતા છે.'