Get The App

ગુજરાતના ગામડાંમાં પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું, સમીક્ષાના નામે 'ડિંડક', IAS-DDOના આંટાફેરા

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
 Representative image in villages


Gujarat villages Do Not Have Basic Facilities: ગામડાંમાં રોડ-રસ્તા, શાળા, પાણી, આરોગ્ય કેન્દ્ર જેવી માળખાકીય સુવિધાનો ગ્રામજનોને લાભ મળી રહ્યો છે કે કેમ? તેની ચકાસણી કરવા સરકારે કલેક્ટર-જિલ્લા વિકાસ અધિકારીને ગામડે દોડાવ્યા હતાં. એટલું જ નહીં, સરકારની યોજનાનો લોકોને લાભ મળે છે કે કેમ તે જાણવા માટે ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપાઈ હતી. જો કે, ગામડાંમાં ફરિયાદોને અંબાર જોઈ ઉચ્ચ અધિકારીઓ ગામડાંમાં આંટો મારીને પરત ફર્યા હતાં.

સમીક્ષાના નામે ડિંડક કરાયું

ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું છે. લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે કલેક્ટર-ડીડીઓને ગામડાંમાં મોકલી સમિક્ષાના નામે સરકારે ડિંડક ઊભું કર્યું હતું. મહત્ત્વની વાત તો એ છે કે, સમિક્ષા કરવા ગયેલાં કલેક્ટર-ડીડીઓ તો વાસ્તવિક રિપોર્ટને લઈને અસમંજસમાં મૂકાયા હતાં કેમ કે, જે કડવી હકીકત સાથે રિપોર્ટ કરવામાં આવે તો અધિકારીઓને ડર બેઠો કે, ક્યાંક આઈએએસ 'ધવલ પટેલ' જેવી દશા ન કરે. 

બે દિવસ પહેલાં જ ગાંધીનગરમાંથી આદેશ છૂટ્યો કે, કલેક્ટર-ડીડીઓને ગામડાંંમાં પહોંચે. ગ્રામજનોને મધ્યાહન ભોજન યોજના, રોડ-રસ્તા, પાણી, આરોગ્ય કેન્દ્ર, શાળા અને પંચાયત ઘર સહિતની પ્રાથમિક સુવિધાનો લાભ મળે છે કે કેમ? ગામડાંમાં લોકોને વિવિધ સરકારી યોજનાનો લાભ મળે છે કે કેમ? આ બધી બાબતની સમિક્ષા કરવા આઈએએસને જવાબદારી સોંપવામાં આવી હતી. 

ગ્રામજનોએ ફરિયાદોનો મારો ચલાવ્યો

ઉચ્ચ અધિકારીઓ પણ સરકારના આદેશને પગલે ગામડાંમાં પહોંચ્યા હતાં પણ ઢગલાબંધ ફરિયાદોને પગલે મૂંઝવણભરી સ્થિતી સર્જાઈ હતી. ગ્રામજનોનું કહેવું હતું કે,વ્યાજબી ભાવની દુકાન પર નિયમિત અનાજ વિતરણ થતું નથી. અનાજની ગુણવત્તા યોગ્ય હોતી નથી. ગામમાં શાળા પડું પડું છે. જેમાં બાળકોને અભ્યાસ કરાવવો જોખમી છે. શિક્ષકોય પૂરતા નથી. એક શિક્ષક આખી શાળાના બાળકોને ભણાવે છે. આરોગ્ય કેન્દ્રમાં પણ આ દશા છે. ડોક્ટરોના અભાવે દર્દીઓને ખાનગી દવાખાનામાં સારવાર મેળવવા મજબૂર થવુ પડે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ, વલસાડમાં 6 ઈંચ, આ જિલ્લામાં આગાહી


ખાડા વાળા રસ્તાથી ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે. અનેક વાર રજૂઆત છતાં પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. આ સ્થિતી વચ્ચે કલેક્ટર-ડીડીઓ ગામડાંમાં સમિક્ષા કરવા પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ ફરિયાદોનો મારો ચલાવ્યો હતો. હવે કલેક્ટર-ડીડીઓની કફોડી દશા થઈ છે કેમકે, ગામડાંઓની કડવી હકીકત સાથે રિપોર્ટ કરો તો સરકારને પોષાય તેમ નથી. આ અગાઉ આઇએએસ ધવલ પટેલે શાળામાં અભ્યાસ કરતાં બાળકોને કક્કો આવડતો નથી તેવી ટીકા સાથે રિપોર્ટ કર્યો હતો. ત્યારે ભારે હોબાળો મચ્યો હતો.

સરકારની ચારેકોર ટીકા થઈ હતી, આખરે સરકારે તેમને રીતસર ઠપકો આપ્યો હતો. આ ઘટના બાદ ધવલ પટેલ સરકારના હિટલિસ્ટમાં છે. આ ઘટનાને જોતાં કલેક્ટર-ડીડીઓ વાસ્તવિકતા છુપાવી બધુય સારા વાના છે. તે કહી સરકારને રિપોર્ટ આપી દીધાં છે. ટૂંકમાં સમીક્ષાના નામે ઉચ્ચ અધિકારીઓના પગાર- ભથ્થા ઉધારી દેવાયા છે. અધિકારીઓ હવે તો મૂંછમાં મલકાઈ રહ્યા છે. 

ગુજરાતના ગામડાંમાં પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું, સમીક્ષાના નામે 'ડિંડક', IAS-DDOના આંટાફેરા 2 - image


Google NewsGoogle News