Get The App

ગુજરાત વિદ્યાપીઠ મંડળમાં 2 નવા ટ્રસ્ટી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ક્રિષ્ના કુલકર્ણીની સર્વાનુમતે વરણી

Updated: Apr 21st, 2023


Google NewsGoogle News
ગુજરાત વિદ્યાપીઠ મંડળમાં 2 નવા ટ્રસ્ટી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ક્રિષ્ના કુલકર્ણીની સર્વાનુમતે વરણી 1 - image

અમદાવાદ,તા.21 એપ્રીલ-2023, શુક્રવાર

કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠક ગુજરાત વિદ્યાપીઠમાં યોજાઈ હતી. ગુજરાત વિદ્યાપીઠ મંડળમાં કૃષિ અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ગુજરાતના પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને IIM કોલકત્તાના બોર્ડ ઓફ ગવર્નન્સના અધ્યક્ષ અને ગાંધીજીના પૌત્રી સુમિત્રાબેન કુલકર્ણીના પુત્ર ક્રિષ્ના કુલકર્ણીની ટ્રસ્ટી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી તેમજ આચાર્ય દેવવ્રતજી, પદ્મભૂષણ રાજશ્રી બિરલાજી, દિલીપભાઈ ઠાકર, ડૉ.હર્ષદભાઈ પટેલ અને કાર્યકારી કુલનાયક ડૉ. ભરતભાઈ જોશીનું ચરખાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન કાર્યકારી કુલનાયક ડૉ. ભરતભાઈ જોશીએ ગત ત્રણ મહિના દરમિયાન થયેલી કામગીરી અને પ્રગતિનો વિગતવાર અહેવાલ આપ્યો હતો.

વિદ્યાર્થીઓ સમયની સાથે તાલ મિલાવી શકે એવું શિક્ષણ આપવું પડશે : રાજ્યપાલ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મંડળની બેઠકને સંબોધન કરતાં કહ્યું કે, વિશ્વ ઝડપભેર પ્રગતિ કરી રહ્યું છે. આવા વાતાવરણમાં ગુજરાત વિદ્યાપીઠનું મહત્વ વધે એ માટે પ્રતિદિન નવા સંશોધનો સાથે પ્રગતિ કરવી પડશે. વિદ્યાર્થીઓ સમયની સાથે તાલ મિલાવી શકે એવું શિક્ષણ આપવું પડશે, અન્યથા ગુજરાત વિદ્યાપીઠ માત્ર એક ઈમારત જ રહી જશે, જેનો કોઈ અર્થ નથી. પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જે ઉદ્દેશો સાથે આ સંસ્થાની સ્થાપના કરી હતી એ જ ઉદ્દેશોની આજે સમાજને આવશ્યકતા છે. પૂજ્ય ગાંધીજીના વિચારો પુરાતન નથી, શાશ્વત છે. જીવનની આવશ્યકતા છે. તેમણે તમામ ટ્રસ્ટીઓને ચિંતન કરવા, નવા ઉકેલો શોધવા અને પ્રગતિશીલ અભિપ્રાયો ખુલીને વ્યક્ત કરવા અનુરોધ  કર્યો હતો. આચાર્ય દેવવ્રતજીએ વધુમાં કહ્યું કે, પૂજ્ય ગાંધીજીએ સ્થાપેલી આ સંસ્થા પ્રત્યે લોકોમાં  સન્માનનો ભાવ પુનઃ જાગે એવા પ્રયત્નો કરવાની આવશ્યકતા છે. સંસ્થાઓ ભવનોથી નથી બનતી, મનુષ્યથી જ બને છે; એમ કહીને તેમણે ગુજરાત વિદ્યાપીઠ પ્રત્યે સામાન્ય નાગરિકોમાં શ્રદ્ધા અને સન્માનનો ભાવ પુનઃ પ્રગટ થાય એવા પ્રયત્નો કરવા તમામ ટ્રસ્ટીઓને અનુરોધ કર્યો હતો. ગુજરાત વિદ્યાપીઠના મંડળમાં કેટલાક ટ્રસ્ટીઓ એવા છે જેઓ વિદ્યાપીઠમાં જ ભણ્યા છે અને તેમણે વિધાપીઠમાં ભણાવ્યું પણ છે. 


Google NewsGoogle News