ભિલાડમાં ઓઇલ કંપનીમાં ભીષણ આગ, 5 કર્મચારી દાઝ્યા, આસપાસની કંપનીઓ પણ ઝપેટમાં
ભિલાડના સરીગામમાં બની ઘટના, આગ લાગ્યા બાદ ધડાકા
Oil Manufacturing Company Fire : ભિલાડ નજીકના સરીગામે ખાતે ઓઇલનું ઉત્પાદન કરતી કંપનીમાં આજે શનિવારે મોડીસાંજે આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. લાશ્કરોએ આગ પર કાબુ મેળવવા કવાયત આદરી હતી. આગે બે કંપનીને પણ લપેટમાં લીધી હતી. મહિલા સહિત પાંચ કર્મચારી દાઝી ગયા હતા.
આખી કંપની સહિત આસપાસની કંપનીઓ પણ આગની ઝપેટમાં
પ્રાપ્ત માહિતી અનુસાર ભિલાડના સરીગામ જીઆઇડીસીમાં આવેલી અને ઓઇલનું ઉત્પાદન કરતી ઓઇલ કેમ નામક કંપની આવેલી છે. આજે શનિવારે મોડીસાંજે કંપનીમાં અચાનક આગ સળગી ઉઠી હતી. ઓઇલના જથ્થાને કારણે આગ વધુ તિવ્ર બનતા આખી કંપની લપેટમાં આવી જતા ભારે ભાગદોડ મચી ગઇ હતી. આગે બાજુમાં અને પાછળ આવેલી કંપનીને પણ લપેટમાં લીધી હતી. આગની જ્વાળા આકાશમાં દૂર દૂર સુધી ફેલાય જતા લોકોમાં ગભરાટ ફેલાય ગયો હતો. આ ઘટનામાં કંપનીની મહિલા સહિત પાંચ કર્મચારી દાઝી ગયા હોવાની જાણકારી મળી રહી છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આગ લાગ્યા બાદ ધડાકાના અવાજ
ઘટનાને પગલે સરીગામ, ઉમરગામ, વાપી સહિતના ફાયર ફાઇટરના બંબા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાદમાં લાશ્કરોએ ભિષણ આગને કાબુમાં લેવા કવાયત આદરી હતી. ઘટનાને પગલે પોલીસ અધિકારી સહિતનો કાફલો દોડી ગયો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઇ વિગત બહાર આવી નથી.આગ લાગ્યા બાદ આજુબાજુની કંપનીના કર્મચારી પણ બહાર નિકળી ગયા હતા. આગ લાગ્યા બાદ ધડાકા પણ થયાનું જાણવા મળી રહ્યું છે.