ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના પછી 25 નવા નિયમ જાહેર
નવી ગાઈડલાઈનમાં રેગિંગ, વાલીની એન્ટ્રી, ધાર્મિક પ્રવૃત્તિથી લઈ ઈલેક્ટ્રિક ગેજેટના ઉપયોગ સહિતના નિયમોનો ઉલ્લેખ
વિદ્યાર્થી વિદ્યાર્થી પર હુમલા મામલે અત્યાર સુધી કુલ પાંચ લોકોની ધરપકડ
Gujarat University New Guidelines : ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા (Foreign Student Attack Case)ની ઘટના બાદ યુનિવર્સિટી તંત્ર જાગ્યું છે અને ઘટના બાદ નિમયો યાદ આવ્યા છે. યુનિવર્સિટી તંત્રએ વિદ્યાર્થીઓ માટે નવા નિયમો બનાવ્યા છે. યુનિવર્સિટીએ સોમવારે વિદેશી વિદ્યાર્થીઓને નવું એનઆરઆઈ હોસ્ટેલ ફાળવ્યા બાદ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. ગાઈડલાઈનમાં રેગિંગ, કેફી દવાઓ, દારુ, ધાર્મિક કાર્યક્રમની પ્રવૃત્તિઓ સહિત 25 નિયમો જાહેર કરાયા છે. ગાઈડલાઈનમાં જાહેર સ્થળો પર જાહેર, ધાર્મિક અથવા બહારની પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. જો કોઈ વિદ્યાર્થી દ્વારા અપમાનજનક શબ્દોનો ઉપયોગ, ધમકી આપવી, ફિજિકલ ફાઈટ કરવી, અયોગ્ય કાર્ય કરવું સહિત બાબતો સામે આવશે તો તેને હોસ્ટેલ અથવા કોલેજમાંથી કાઢી મુકવામાં આવશે. અન્ય નિર્દેશોમાં રેગિંગ, આખી રાત રોકાવા પર તેમજ વ્યક્તિગત ઇલેક્ટ્રિકલ ઉપકરણોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવાયો છે. આમાં મોટાભાગના નિયમો યુનિવર્સિટી અને રાજ્યની અન્ય યુનિવર્સિટી હોસ્ટેલની જેમ સમાન છે.
યુનિવર્સિટીએ જાહેર કરેલા 25 નિયમ
- કોઈપણ પ્રકારના રેગિંગ પર પ્રતિબંધ, જો કોઈ દોષિત જણાશે તો કડક કાર્યવાહી કરાશે.
- હોસ્ટેલ પરિસરમાં દારુ, કેફી દવાઓ અથવા કોઈપણ કેફી પદાર્થોનો ઉપયોગ કરવાની મંજૂરી નહીં.
- માતા-પિતા/વાલી સહિત તમામને સિક્યોરિટી ગાર્ડ પાસેની વિઝિટર્સ બુકમાં એન્ટ્રી કર્યા બાદ જ હોસ્ટેલમાં પ્રવેશ કરવા દેવાશે.
- વિદ્યાર્થીઓ પોતાના રુમમાં કોઈપણ અનધિકૃત મિલકત અથવા મહેમાનને રાખી શકશે નહીં.
- કોઈપણ વ્યક્તિ કે મહેમાનને હોસ્ટેલના કોઈપણ ભાગમાં રાત્રે રોકાવાની મંજૂરી નહીં, જો મહેમાન હોસ્ટેલમાં રાત્રે રોકાવા ઈચ્છે તો પહેલા વોર્ડન પાસેથી મંજુરી લેવી પડશે.
- યુવકની હોસ્ટેલમાં યુવતીઓને રાત્રે 11.00થી સવારે 6.00 વાગ્યા સુધી પ્રવેશની મંજૂરી નહીં.
- કોઈપણ યુવક ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ કરી શકશે નહીં.
- તમામ વિદ્યાર્થીઓએ રાત્રે 10.00 વાગ્યા સુધીમાં હોસ્ટેલમાં પરત આવી જવું પડશે. જો કોઈ વિદ્યાર્થી નહીં આવે તો તેણે કારણો જણાવી હોસ્ટેલના અધિકારીઓ પાસેથી મંજૂરી લેવાની રહેશે.
- વિદ્યાર્થીએ પોતાના સામાનની પોતે જ જવાબદારી રાખવવાની રહેશે.
- વિદ્યાર્થીઓ હોસ્ટેલના ઉપકરણો, ફર્નીચર, મેસ જેવી સંપત્તિનો દુરુપયોગ અને છેડછાડ નહીં કરી શકે. કચરો ડસ્ટબીનમાં જ નાખવાનો રહેશે, જો આ નિયમનું ઉલ્લંઘન કરશે તો દંડ ફડકારાશે.
- વિદ્યાર્થીઓએ પાણી અને વીજળીનો ઉપયોગ સમજી વિચારીને કરવાનો રહેશે.
- હોસ્ટેલમાં રહેનારા તમામ વિદ્યાર્થીઓએ નિયમોનું પાલન કરવાનું રહેશે.
- કોઈપણ વિદ્યાર્થી વ્યક્તિગત કામ માટે હોસ્ટેલ હાઉસ કીપિંગને કામ નહીં સોંપી શકે.
- હોસ્ટેલમાં કોઈપણ રૂમમાં રહેતો વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીના રૂમમાં પ્રવેશ નહીં કરી શકે.
- બિમાર અથવા અકસ્માતના સંજોગોમાં તુરંત હોસ્ટેલ અધિકારીઓને જાણ કરવાની રહેશે.
- હોસ્ટેલ પરિસરમાં વૉર્ડની મંજૂરી વગર કોઈપણ સમારોહ, ઉત્સવ યોજી શકાશે નહીં.
- ચેપી રોગોથી પીડિત વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહેવાની મંજૂરી નહીં, આ અંગે વોર્ડનનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા રહેશે.
- વૉર્ડર દ્વારા રૂમમાં અપાયેલ ફર્નિચર સહિત કોઈપણ સુવિધાની ફરિયાદ કરી શકાશે નહીં.
- વિદ્યાર્થીઓ વચ્ચે મતભેદ અને ચોરીની ફરિયાદની તમામ બાબતો હોસ્ટેલ મેનેજમેન્ટને જણાવવાની રહેશે.
- જો કોઈ પડોશી અથવા સોસાયટી ફરિયાદ કરશે તો કડક કાર્યવાહી કરાશે.
- જો કોઈપણ વિદ્યાર્થીનો રૂમ બદલવાની જરૂર પડશે તો હોસ્ટેલ મેનેજમેન્ટ ગમે ત્યારે બદલી શકશે.
- વિદ્યાર્થી અપશબ્દો બોલતો, ધમકી આપતી ભાષાનો ઉપયોગ કરતો અથવા ઝગડામાં સામેલ હોવાનું સામે આવશે તો કડક કાર્યવાહી કરાશે. આવી સ્થિતિના કારણે તેણે હોસ્ટેલમાંથી કાઢવામાં પણ આવી શકે છે.
- પડોશીઓ હેરાન થાય તે રીતે મોટા અવાજે સંગીત, રિકોર્ડ પ્લેયર વગાડવામાં આવશે તો દંડ ફટકારાશે. જો વારંવાર આવું કરશે તો હોસ્ટેલમાં ફાળવાયેલ રૂમ રદ કરી દેવામાં આવશે.
- વ્યક્તિગત ઉપયોગમાં લેવાતા ઈલેક્ટ્રિક ગેજેટનો ખર્ચ વિદ્યાર્થીઓએ જાતે ઉઠાવવાનો રહેશે. જે લોકો રૂમમાં વધારાના ઉપકરણોનો ઉપયોગ કરવા માંગે છે, તેમણે વીજળી મીટર માટે અલગથી અરજી કરવાની રહેશે. રૂમની તમામ આંતરિક સુવિધાઓ યોગ્ય રીતે જાળવવી પડશે.
- જાહેર સ્થળો પર કોઈપણ વ્યક્તિગત, ધાર્મિક અથવા બહારની પ્રવૃત્તિથી બચીને રહેવાનું રહેશે.
મામલો શું હતો ?
ઉલ્લેખનીય છે કે, ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં 16 માર્ચે રાત્રીને સમયે વિદેશી વિદ્યાર્થીઓ નવાજ અદા કરી રહ્યા હતા ત્યારે તેમના હુમલો કરાયો હતો. આ ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે. બીજીતરફ વિદ્યાર્થીઓને ફરી હુમલો કરવાની ધમકી અપાતા પોલીસ બંદોબસ્ત યથાવત્ રાખવા સૂચના અપાઈ છે. શનિવારે રાતના સમયે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેસના એ બ્લોકમાં ૧૫ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ નમાઝ અદા કરી રહ્યા હતા. તે સમયે બહાર નમાઝ કરવાને લઇને શરૂ થયેલી તકરારે ઉગ્રસ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં સંગઠનના ટોળાએ હોસ્ટેલની રૂમમાં સામાનમાં તોડફોડ કરવાની સાથે વાહનોમાં ભારે નુકસાન કર્યું હતું. સાથેસાથે પાંચ જેટલા વિદેશી વિદ્યાર્થીઓને ઇજાઓ પણ પહોંચી હતી.
પાંચ લોકોની ધરપકડ, 10થી વધુની ઓળખ
આ મામલે રવિવારે ક્રાઇમબ્રાંચે હિતેશ મેવાડા અને ભરત પટેલની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે ક્રાઇમબ્રાંચની ટીમ સક્રિય હતી. જેમાં સોમવારે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ક્ષિતિજ પાંડે (રહે.અંબિકા ટેનામેન્ટ, શાસ્ત્રીનગર), જીતેન્દ્ર રામાભાઇ પટેલ (રહે. મ્યુનિસિપલ કર્મચારીનગર, સત્તાધાર, ઘાટલોડિયા) અને સાહિલ દુધાતિયા (રહે.નરેશ રબારીની ચાલી, મેમનગર)નો સમાવેશ થાય છે. આ અંગે પોલીસે વધુ પુછપરછ શરૂ કરી છે. આ કેસમાં વિડીયો ફૂટેજ અને પ્રાથમિક પૂછપરછના આધારે અત્યાર સુધીમાં ૧૦થી વધુ આરોપીઓની ઓળખ થઇ ચુકી છે. બીજી તરફ આરોપીઓને ઝડપીને કેસને લગતી કાર્યવાહી અંગે નિયમિત રિપોર્ટ આપવા માટે ગૃહવિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે.