Get The App

પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતનો ટેબ્લો સતત ત્રીજા વર્ષે પ્રથમ, નંબર જાહેર કર્યો, વોટિંગના આંકડા ન આપ્યા સરકારે

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News
પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતનો ટેબ્લો સતત ત્રીજા વર્ષે પ્રથમ, નંબર જાહેર કર્યો, વોટિંગના આંકડા ન આપ્યા સરકારે 1 - image


Gujarat Tableau: 76મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પ્રસ્તુત કરવામાં આવેલા ગુજરાતના ટેબ્લો "આનર્તપુરથી એકતાનગર સુધી - વિરાસતથી વિકાસનો અદ્ભૂત સંગમ"ને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં સૌથી વધુ મત પ્રાપ્ત થયા છે. ગુજરાતના ટેબ્લોએ પ્રજાસત્તાક દિન પરેડમાં પોપ્યુલર ચોઇસનું પ્રથમ સ્થાન સતત ત્રીજા વર્ષે પ્રાપ્ત કરીને હેટ્રિક સર્જી છે. 

મુખ્યમંત્રીએ આભાર વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લાં ત્રણ વર્ષથી ગુજરાતનો ટેબ્લો પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી રહ્યો છે તેની ગૌરવપૂર્ણ સિદ્ધિ અંગે ગુજરાતના સૌ નાગરિકોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કર્યો છે. 

આ પણ વાંચોઃ રાજકોટ સિવિલમાં એડમિટ દર્દીને ચાની ચુસકી પડી ભારે, હોસ્પિટલમાંથી રજા મળે તે પહેલાં જ મોત

નાગરિકોએ પસંદ કર્યો શ્રેષ્ઠ ટેબ્લો

નવી દિલ્હીના કર્તવ્ય પથ પર 76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ રાજ્યો અને સરકારના વિભાગોના 31 ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યના માહિતી વિભાગે પ્રસ્તુત કરેલા ટેબ્લોમાં ગુજરાતે આધુનિક વિકાસની જે હરણફાળ ભરી છે તે વિકાસ ગાથા અને પ્રાચીન વિરાસતની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. આ પરેડમાં રજૂ થતાં વિવિધ ટેબ્લો માટે નાગરિકો પોતાના વોટ ઓનલાઇન આપીને "પોપ્યુલર ચોઇસ"ના શ્રેષ્ઠ ટેબ્લોને પસંદ કરી શકે છે.

સતત ત્રીજા વર્ષે મેળવ્યો પ્રથમ ક્રમ

ગુજરાત સરકારના માહિતી વિભાગે આ પરેડમાં પ્રસ્તુત કરેલા ટેબ્લો ‘આર્નતપુરથી એકતાનગર સુધી - વિરાસતથી વિકાસના અદ્ભૂત સંગમ’ને સૌથી વધુ વોટ જનતા જનાર્દને આપ્યા છે. આ વિશાળ સંખ્યાના વોટિંગથી ગુજરાતના ટેબ્લો પોપ્યુલર ચોઇસમાં સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમે રહ્યો છે. 

ગુજરાતના ટેબ્લોની શું હતી વિશેષતા?

ગુજરાતની ઝાંખીમાં 12મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકીકાળના ‘કીર્તિ તોરણ’થી લઈને 21મી સદીની અજાયબી સ્વરૂપ ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ-ટૅક્નોલૉજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રાજ્યની ‘આત્મનિર્ભરતા’ના વિવિધ વિકાસના પ્રકલ્પો સી-295 એરક્રાફ્ટ ઉત્પાદન યુનિટ, સેમી કન્ડક્ટર ચીપ અને તેના આનુષંગીક ઉપકરણો તથા અટલ બ્રિજ વગેરનું બખૂબી નિદર્શન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ મહેસાણાની મર્ચન્ટ કોલેજમાં વિદ્યાર્થિનીનો આપઘાત, વિદ્યાર્થીઓએ મચાવ્યો ભારે હોબાળો

ગુજરાતની આ ઝાંખીને વધુ રસપ્રદ બનાવવાના હેતુસર પારંપરિક કિન્તુ અર્વાચીન દુહાના તાલે રાજ્યનો જોમવંતો ‘મણિયારો’ રાસ જીવંત નૃત્ય સાથે દર્શાવવામાં આવ્યો હતો. ગુજરાતની પારંપારિક લોક સંસ્કૃતિના મેરૂ સમાન આ મણિયારા રાસને વિવિધ રાજ્યોના ટેબ્લોના કલાકારો દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓની સ્પર્ધામાં પણ ત્રીજું સ્થાન મળ્યું છે. આ સમગ્ર પ્રસ્તુતિ અને ઝાંખીએ પરેડમાં સૌના મન મોહી લીધા હતા અને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

ગુજરાતના ટેબ્લોએ પોપ્યુલર ચોઇસ કેટેગરી ઍવૉર્ડમાં અગ્રેસર રહેવાની પરંપરા 2023ના 74મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડથી શરુ કરી છે. આ પરેડમાં રાજ્ય સરકારે “ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત”ના ટેબ્લોમાં પુન: પ્રાપ્ય ઊર્જાના મહત્તમ ઉપયોગના આહ્વાનને સાકાર કરવામાં ગુજરાતની પહેલની ઝાંખી પ્રસ્તુત કરી હતી.

પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતનો ટેબ્લો સતત ત્રીજા વર્ષે પ્રથમ, નંબર જાહેર કર્યો, વોટિંગના આંકડા ન આપ્યા સરકારે 2 - image

વર્ષ 2024ના 75મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતે રજૂ કરેલા ટેબ્લો “ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO”ની પ્રસ્તુતિને પણ ‘પોપ્યુલર ચોઇસ’ કેટેગરીમાં પ્રથમ ક્રમ મળ્યો હતો. એટલું જ નહીં, ટેબ્લોઝની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની- જ્યુરીની ચોઇસમાં પણ ગુજરાતના આ ટેબ્લોએ 2024માં બીજો ક્રમ મેળવ્યો હતો. આ જ પરંપરામાં વધુ એક સિદ્ધિ મેળવીને 76મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજી વાર પ્રથમ ક્રમ મેળવીને હેટ્રિક સર્જવાનું ગૌરવ પ્રાપ્ત કર્યુ છે. 

પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતનો ટેબ્લો સતત ત્રીજા વર્ષે પ્રથમ, નંબર જાહેર કર્યો, વોટિંગના આંકડા ન આપ્યા સરકારે 3 - image



Google NewsGoogle News