સુરતમાં કૌટુંબિક કાકાએ ભત્રીજી પર આચર્યું દુષ્કર્મઃ પીડિતા ગર્ભવતી બનતા ફૂટ્યો ભાંડો
Surat Crime: ગુજરાતના સુરતમાંથી સંબંધોને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. સુરતમાં 16 વર્ષની સગીરા સાથે કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બની હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં સગીરાની માતાના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હતી. હાલ, સમગ્ર મામલે સગીરાની માતાએ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે સમગ્ર મામલે POCSO હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ ગુજરાતને લજવતી વધુ એક ઘટના, સુરતમાં 6 વર્ષીય બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
શું હતી સમગ્ર ઘટના?
સુરતના હજીરા વિસ્તારમાંથી કૌટુંબિક કાકા દ્વારા 16 વર્ષની ભત્રિજીને ગર્ભવતી બનાવવાની ઘટના સામે આવી છે. નરાધમ કૌટુંબિક કાકા ભાવેશ પટેલ દ્વારા આ કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલાનો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે સગીરાને અસહ્ય પેટમાં દુઃખાવો થતો હતો. જ્યારે તેની માતા હોસ્પિટલ ખાતે તેને સારવાર અર્થે લઈ ગઈ ત્યારે જાણ થઈ કે, સગીરાને 6 મહિનાનો ગર્ભ છે. ત્યારબાદ કૌટુંબિક કાકાની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો.
આ પણ વાંચોઃ લો બોલો! ફાયર બ્રિગેડ રેઇન ડાન્સ કરાવશે? અમદાવાદમાં હોળી ઇવેન્ટના દ્રશ્યો વાઈરલ
પોલીસે હાથ ધરી તપાસ
હાલ, સગીરાની માતાએ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે કૌટુંબિક કાકા સામે ફરિયાદ દાખલ કરાવી છે. હાલ, પોલીસે પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પૂછપરછ બાદ સામે આવ્યું કે, આરોપી સગીરાની એકલતાનો લાભ ઉઠાવી તેને પોતાના ઘરે લઈ જતો અને બાદમાં અવાર-નવાર તેની ઉપર દુષ્કર્મ આચરતો હતો. બાદમાં સગીરાને ધમકાવતો કે, કોઈને કહેતી નહીં. કાકાની ધમકીથી ડરીને સગીરાએ આ વિશે કોઈને જાણ નહતી કરી. બાદમાં સગીરા જ્યારે ગર્ભવતી બની ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.
સુરતમાં વધી દુષ્કર્મની ઘટના
નોંધનીય છે કે, સુરતમાં એક જ દિવસમાં આ બીજી દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ પહેલાં, શહેરના કતારગામ વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. જેમાં રસ્તાના કિનારે વસવાટ કરતા શ્રમજીવી પરિવારની 6 વર્ષની માસુમ દિકરીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. બે દિવસ પહેલાં પણ સુરતના ઉધના સ્ટેશન પરથી એક મહિલા સાથે લૂંટ અને ગેંગરેપની ઘટના સામે આવી હતી. જેમાં મહિલા પર પોતાના પતિ સાથે ઓળખાણ છે તેવું કહી પોતાના સાડા ત્રણ વર્ષના બાળકની સામે જ દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું. ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે, ગૃહ રાજ્ય મંત્રીના મત વિસ્તારમાં જ જો મહિલા અને દીકરીઓ સુરક્ષિત નથી. દેશભરમાં જ્યારે મહિલા અને દીકરીઓ માટે સુરક્ષિત ગુજરાતનો દાવો કરવામાં આવતો હોય ત્યારે આવી ઘટનાથી દેશમાં મહિલા અને બાળકીઓની સુરક્ષાને લઈને મોટો પ્રશ્ન ઊભો થાય છે.