ગુજરાતમાં SMCને મળશે આગવું પોલીસ સ્ટેશન, ગૃહ વિભાગે જાહેર કર્યું નોટિફિકેશન
SMC Police Station : ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગર ખાતે રાજ્યનું સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને પોતાનું અલગ પોલીસ સ્ટેશન મળશે. જે રાજ્ય કક્ષાનું એકમાત્ર પોલીસ સ્ટેશન બની રહેશે.
રાજ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ ગુજરાત પોલીસની વિશેષ શાખા છે. પોલીસ મહાનિર્દેશક અને મહાનિરીક્ષકને સહાય પૂરી પાડવા માટે અમલીકરણ, સંકલન, સંશોધન અને વિશ્લેષણની SMCની પ્રાથમિક જવાબદારી છે. જેમાં પ્રોહિબિશન, જુગાર સહિતના ગુનાઓના નિવારણ માટે SMC રાજ્યવ્યાપી દરોડા પાડી શકે છે, ત્યારે રાજ્યના ગૃહ વિભાગે ગાંધીનગર ખાતે SMCનું એક અલગ પોલીસ સ્ટેશન બનાવાને લઈને નોટિફિકેશન જાહેર કર્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં આવતીકાલથી શરૂ થશે 'ફ્લાવર શૉ 2025', જાણો શું છે ટિકિટ દર
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા SMCના અલગ પોલીસ સ્ટેશન અંગેનું નોટિફિકેશન જાહેર કર્યું છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને સુવ્યવસ્થિત જાળવવા માટે અને SMCની કાર્યક્ષમતાની સાથે તેની અસરકારકતામાં વધારવા માટે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતીય ન્યાય સંહિતા, 2023 તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈઓ હેઠળની સત્તાનો ઉપયોગ કરીને ખાસ નિર્ણય કરાયો છે.