વધુ એક મોંઘવારીનો માર! ગુજરાત ST બસના ભાડામાં એક ઝાટકે 10 ટકાનો વધારો, કાલથી નવા ભાડા લાગુ થશે
Gujarat ST Bus Fares Increase: ગુજરાતની જનતાના માથે વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. એસટી નિગમ દ્વારા બસ સેવાનાં ભાડામાં 10 ટકાનો વધારો ઝીંકી દેવાયો છે, તેથી આજે મધ્યરાત્રિથી નવા ભાડાં લાગુ થશે. એસટી નિગમના આ નિર્ણયથી રાજ્યના લાખો મુસાફરોના ખિસ્સા પર સીધી અસર થશે. જણાવી દઈએ કે, વર્ષ 2014 બાદ વર્ષ 2023માં વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધ્યું હોવાથી રાજ્યમાં બસની ટિકિટના ભાવમાં પ્રતિ કિ.મી 25 ટકાનો વધારો કરાયો હતો. ત્યારબાદ હવે વર્ષ 2025માં બસ ભાડામાં ભાવ વધારો કરાયો છે.
ગુજરાત ST વિભાગે ભાડામાં 10 ટકાનો વધારો કર્યો
ગુજરાત ST વિભાગ દ્વારા જણાવાયું છે કે, નિગમની તમામ સર્વિસના મુસાફર ભાડામાં ફેરફાર કરવાની સત્તા એનાયત હતી, જે અનુસંધાને વર્ષ 2014 બાદ વર્ષ 2023માં એટલે કે 10 વર્ષ બાદ 18% જેટલો ભાડા વધારો કરવાનો થતો હતો. આ પહેલા 1 ઓગસ્ટ 2023 ના રોજ 25% ભાડા વધારો કરાયો હતો.
નિગમની પરિવહન સેવાઓ વધુ મજબૂત અને સુવિધાયુક્ત બને તે ધ્યાને લઈ ભાડા વધારામાં ફેરફાર કરવાની સત્તાઓ અનુસાર નિગમના સંચાલક મંડળ દ્વારા નિગમની સર્વિસોમાં 28 માર્ચ 2025ની મધ્યરાત્રિથી એટલે કે તારીખ 29 માર્ચ 2025થી 10% ભાડા વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો છે.
આ પૈકી લોકલ સર્વિસમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો (દરરોજ અંદાજિત 10 લાખ જેટલા) 48 કિ.મી. સુધીની મુસાફરી કરે છે. આમ છતાં, એક રૂપિયાથી રૂ. ચાર સુધીનો ભાડા વધારો કરાયો છે. આમ, લાખો મુસાફરોના ખિસ્સા પર અસર થવાની હોવા છતાં ભાવ વધારો ઝીંકી દેવાયો છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની ST દૈનિક 8000 થી વધુ બસો થકી 32 લાખથી વધુ કિ.મી.નું અંતર કાપી 27 લાખ મુસાફરોને જાહેર પરિવહનની સુવિધાઓ પૂરી પાડે છે. આ રાજ્ય સરકારની ફરજ છે, આમ છતાં સામાન્ય માણસનું વિચાર્યા વિના ભાવવધારો ઝીંકી દેવાયો છે.