વાહ રે ગુજરાત! એક બાજુ રાજ્યમાં દારૂબંધી ત્યાં બીજી બાજુ લીકર પરમિટની ધૂમ લ્હાણી
Gujarat Liquor Permit Number Increase: ગુજરાતમાં એક બાજું ઉદ્યોગો અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું બહાનું ધરીને ગિફ્ટ સિટીથી માંડીને સ્ટાર હોટલોને દારૂ વેચવા મંજૂરી આપવામાં આવી રહી છે. બીજી તરફ, આરોગ્યના નામે દારૂની પરમિટની જાણે લ્હાણી કરવામાં આવી રહી છે. મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી છે. ખુદ સરકાર જાણે પાછલાં બારણે દારૂબંધી નાબૂદી અભિયાન હાથ ધર્યું હોય તેવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે. વિધાનસભામાં રજૂ થયેલાં આંકડાએ જ દારૂબંધીની પોલ ઉઘાડી દીધી છે. કારણ કે, બે વર્ષમાં આરોગ્યના બહાને 24 હજારથી વધુ દારૂના પરવાના અપાયાં છે.
આરોગ્યના નામે દારૂ પીનારાની સંખ્યા વધી
ગૃહ વિભાગનો દાવો છે કે, ગુજરાતમાં દારૂબંધીનો કડકપણે અમલ થઈ રહ્યો છે પણ જે રીતે ગુજરાતમાં દારૂની પરમિટની સંખ્યા વધી રહી છે તે જોતા લાગે છે કે, આરોગ્યના નામે દારૂ પીનારાઓની સંખ્યા વધી રહી છે. વર્ષ 2023-24 અને વર્ષ 2024-25માં દારૂની પરમિટ મેળવવામાં અમદાવાદ અવ્વલ રહ્યું છે. જ્યારે સુરત બીજા ક્રમે રહ્યું છે.
અમદાવાદમાં બે વર્ષમાં 7390 લોકોને મળી દારૂની પરમિટ
બે વર્ષમાં અમદાવાદમાં 7390 દારૂની પરમિટ અપાઈ હતી. અમદાવાદીઓએ તો દારૂ પીવા માટે પરમિટ મેળવવા 12.71 કરોડ રૂપિયા ખર્ચી નાંખ્યા હતાં. આ જ સમયગાળા દરમિયાન, સુરતમાં 6975 પરવાના અપાયા હતાં. પરમિટની ફી પેટે સુરતીલાલાઓએ 6.43 કરોડ ચૂકવ્યા હતાં. અમરેલી, ખેડા, વડોદરા, દાહોદ, ગાંધીનગર, આણંદ, જૂનાગઢ, ભાવનગર, મોરબી, બોટાદ, મહેસાણા, પાટણ અને અમરેલીમાં દારૂની પરમિટ આપવામાં આવી હતી.
રાજ્ય સરકારની દલીલ છે કે, પરમિટની ફી રોગી કલ્યાણ સમિતીમાં જમા કરવામાં આવે છે. જો કે, દારૂના પરવાનાની ફી પેટે 28.68 કરોડ રૂપિયાની આવક થઈ હતી. આ કારણોસર રોગી કલ્યાણ સમિતીની તિજોરીઓ જાણે છલકાઈ ગઈ હતી. જોકે, ખેડા, મહેસાણા અને આણંદમાં પરમિટની ફી રોગી કલ્યાણ સમિતીમાં જમા થતી નથી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આરોગ્યનું બહાનું આગળ ધરીને દારૂની પરમિટ લેવા માટે અરજીઓની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. તે જોતાં ગુજરાતમાં દારૂબંધી એ માત્ર નામ પૂરતી જ રહી જશે. તેનું કારણ છેકે, ખુદ સરકારની દારૂ પ્રત્યેની નીતિ જ કંઈક અલગ છે.