'મા-બાપ થાકી ગયા છે, મારે શિષ્યવૃત્તિ નથી જોઈતી', કાલીઘેલી ભાષામાં લખેલો આ પત્ર સરકારને તમાચા સમાન
Scholarships Rupe Change in Gujarat : સરકાર અનેક યોજનાઓ અને સહાયની જાહેરાત તો કરતી હોય છે, પરંતુ આ સહાય મેળવવા માટે પ્રજાએ હેરાન-પરેશાન થવું પડતું હોય છે. ત્યારે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિના નિયમો વધુ કઠિન કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ મહામુશ્કેલીમાં મુકાયા છે. આ શિષ્યવૃત્તિ માટે કેટલાક નવા ફેરફારો કરાયા છે, જેના કારણે શિષ્યવૃત્તિ મેળવવા વાલીઓ અને વિદ્યાર્થીઓએ અનેકવિધ ડોક્યુમેન્ટ રજૂ કરવા પડી રહ્યા છે. માત્ર 1650 રૂપિયા જેટલી નજીવી શિષ્યવૃત્તિ મેળવવા માટે વાલીઓ પોતાના કામ અને મજૂરીના ભોગે સરકારી કચેરીઓના ધક્કા ખાઈને કંટાળ્યા છે.
ઈ-કેવાયસી, ડિજિટલ ગુજરાત પોર્ટલ પર દરખાસ્ત, રેશનકાર્ડ લિંક કરાવવું, બેંક એકાઉન્ટ ખોલાવવા સહિતની લાંબી પ્રક્રિયાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ કંટાળ્યા છે. શિષ્યવૃત્તિ મેળવવીએ સાત કોઠા વિંધવા જેવું કઠિન કામ બની ગયું છે. જેના કારણે હવે ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓએ તો કંટાળીને શિષ્યવૃત્તિ લેવાની જ ના પાડી દીધી હોવાનું સામે આવી રહ્યું છે. શાળા પાસે વિદ્યાર્થીની તમામ માહિતી હોવા છતાં આ નવું ગતકડું શા માટે લવાયું? વિદ્યાર્થી-વાલીઓ કહે છે કે, 'રહેવા દો સાહેબ મારે શિષ્યવૃત્તિ જોઈતી નથી.
તો કેટલાક વિદ્યાર્થીઓએ શાળાને પત્ર પણ લખ્યાં છે, જેમાં પોતાની અને પરિવારની વેદના ઠાલવી છે. ત્યારે આ નવા આદેશના પગલે રાજ્યના અનેક વિદ્યાર્થીઓ આર્થિક સહાયથી વંચિત રહી જશે. તેથી સરકાર દ્વારા તાત્કાલિક શિષ્યવૃત્તિ સહાયની પ્રક્રિયા સરળ કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે.
'શિષ્યવૃત્તિ જોઈતી નથી', વિદ્યાર્થીએ શાળાના આચાર્યને લખ્યો પત્ર
સૂઈગામ તાલુકાના મસાલી ગામના વિદ્યાર્થીનો પત્ર હાલ ચર્ચાનો વિષય બન્યો છે. સરકારી કચેરીના ધક્કા ખાઈને કંટાળેલા સાતમાં ધોરણના એક વિદ્યાર્થીએ કાલીઘેલી ભાષામાં શાળાના આચાર્યને પત્ર લખ્યો કે, 'શિષ્યવૃત્તિ જોઈતી નથી. શિષ્યવૃત્તિ માટે એટલા બધા કાગળને આધાર પુરાવા અપડેટ મંગાવવામાં આવે છે કે મારા માતા-પિતા વારંવાર તાલુકાઓના ધક્કા ખાધા છતાં પુરૂ થતું નથી, તેથી કંટાળીને મારા માતાએ કહ્યું છે કે, આપણે શિષ્યવૃત્તિ જોઈતી નથી. આપનો આજ્ઞાકિત વિદ્યાર્થી.' આ પત્ર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જણાવી દઈએ કે, રાજ્યભરમાં સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા 1650 રૂપિયા અને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને 1950 રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
શિષ્યવૃત્તિ માટે શું છે નવો નિર્ણય?
સરકારના જુદાજુદા વિભાગ દ્વારા રેશનકાર્ડના ડેટા બેઝમાં તમામ વિદ્યાર્થીઓનું આધાર બેઝ્ડ બાયોમેટ્રિક ઈ-કેવાયસી કરવાનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના આધારકાર્ડ અને બેંક એકાઉન્ટ સાથે હવે રેશનકાર્ડને જોડવા માટેના આદેશ કરાયો છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પણ સ્કૂલોના આચાર્યોને પરિપત્ર કરી સૂચના અપાઈ છે. જેમાં જણાવાયું છે કે, શાળાના જે વિદ્યાર્થીના નામ રેશનકાર્ડમાં ન હોય તેવા વિદ્યાર્થીઓની યાદી બનાવી અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રણની કચેરીમાં જમા કરાવી વિદ્યાર્થીઓના નામ રેશનકાર્ડમાં ચઢાવવાના રહેશે. જેમની પાસે રેશનકાર્ડ જ નથી તેવા વિદ્યાર્થીઓએ નવું રેશનકાર્ડ કઢાવવાનું રહેશે. જોકે આ તમામ પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો સ્કોલરશીપ નહીં મળે.
E-KYC માટેની પ્રક્રિયા પણ ખૂબ જ જટિલ
ડિજીટલ ગુજરાતની સાઇટ ધીમી ચાલતી હોવાથી તેમાં વારંવાર એરર આવતી હોય છે. વહેલી સવારે શિષ્યવૃત્તિ દરખાસ્ત કરીએ ત્યારે એક કલાકમાં માંડ 10 જેટલી એન્ટ્રી થઈ શકે છે. અત્યાર સુધીમાં માંડ 40 ટકા બાળકોની દરખાસ્ત થયેલ છે. એમાં વળી, E-KYC ન હોય તો દરખાસ્ત થતી નથી. E-KYC કરવા માટેની પ્રક્રિયા પણ ખૂબ જ જટિલ છે. જેમાં PDS+ ઍપ્લિકેશનમાં શિક્ષકો એપ ઓપન કરે એટલે વિદ્યાર્થીના વાલીના મોબાઇલમાં OTP આવે છે, તેને જનરેટ કર્યા બાદ આધાર KYC કરે છે. સૂચનાઓ વાંચીને રેશન કાર્ડ નંબર દાખલ કરવામાં આવે છે, ફરી વાલીના મોબાઇલ નંબરમાં OTP આવે છે.
રેશન કાર્ડમાં જેટલા મેમ્બર હોય એટલા શો થાય એમાં જે વિદ્યાર્થીનું E-KYC બાકી હોય એના નામ પર ટીક કરવાથી ફોટો કેપ્ચર કરવાનો, ફોટો કેપ્ચર કરવા ફરી પાછો OTP આવે તે દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ ફોટો કેપ્ચર કરવામાં પણ સમય લાગે, ફોટો કેપ્ચર થયા બાદ વિદ્યાર્થીની આધાર વિગતો ખૂલે એમાં ટીક કરી સબમિટ ફોર એપ્રુવલ આપીએ ત્યારે E-KYC પૂર્ણ થાય છે અને વિદ્યાર્થીની શિષ્યવૃત્તિની દરખાસ્ત સબમિટ થાય છે.
'ડિજિટલ ગુજરાત પોર્ટલ પર દરખાસ્ત અને બેંક ખાતું જરૂરી'
વિદ્યાર્થીઓ અને વાલીઓના જણાવ્યા પ્રમાણે, શિષ્યવૃત્તિ મેળવવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર દરખાસ્ત કરવાની હોય છે. આ દરખાસ્ત કરવા માટે સૌપ્રથમ વિદ્યાર્થીના નામનું બેંક ખાતું હોવું જરૂરી છે. જ્યારે ઘણી બેંકો બાળકોના બેંક ખાતા ખોલવાની ના પાડે છે અથવા તો તેમાં 5 હજાર જેટલી રકમ જમા કરાવો તો જ બેંક ખાતું ખોલી આપે છે. આ ઉપરાંત આધાર કાર્ડ, આવકનો દાખલો, રેશનકાર્ડ, સહિતના ડોક્યુમેન્ટ માગવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે અને અભ્યાસ કાર્ય પર અસર પડે છે. તેથી વાલીઓ અને વિદ્યાર્થીઓનું કહેવું છે કે, જો સરકારે ખરેખર શિષ્યવૃત્તિ આપવી હોય તો પ્રક્રિયા સરળ રાખવી જોઈએ. હાલ આ અઘરી પ્રક્રિયાથી શિષ્યવૃત્તિ મેળવવી એ લોઢાના ચણા ચાવવા જેવું કામ થઈ ગયું છે.
ઓનલાઈન રેશનકાર્ડ નંબર દૂર કરી પ્રક્રિયા સરળ કરવા રજૂઆત
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે પ્રક્રિયા સરળ કરવા રાજ્યના શિક્ષણ વિભાગને રજૂઆત કરી હતી. પરંતુ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા શિષ્યવૃત્તિની સહાયની પ્રક્રિયા સરળ કરાઈ નથી. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ કંટાળ્યા છે. પ્રાથમિક શિક્ષક સંઘે પણ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખી પ્રાથમિક શાળામાં અપાતી શિષ્યવૃત્તિમાં નિયમો હળવા કરવા રજૂઆત કરી છે. ઓનલાઈન પ્રક્રિયામાં રેશનકાર્ડ નંબર દૂર કરી પ્રક્રિયા સરળ કરવા રજૂઆત કરાઈ છે. તો શાળા સંચાલક મહામંડળે પણ વિરોધ નોંધાવ્યો છે. તેમના અનુસાર, સરકાર પાસે વિદ્યાર્થીનું આધારકાર્ડ છે, વિદ્યાર્થીની માહિતી છે, તો પછી રાશનકાર્ડ શા માટે? કેટલાક અધિકારીઓ અટપટા નિયમ બનાવીને સરકાર બદનામ થાય તેવા ગતકડાં કરે છે તેવો આક્ષેપ શાળા સંચાલક મંડળે લગાવ્યો છે.
વિદ્યાર્થીઓનું ભણતર બગડે એવી નોબત
જે શિષ્યવૃત્તિનો હેતુ વિદ્યાર્થીને ભણતરમાં મદદરૂપ થવાનો હતો એનો આખો હેતુ જ માર્યો ગયો. હવે શિષ્યવૃત્તિના લીધે વિદ્યાર્થીઓનું ભણતર બગડે એવી નોબત આવી ગઈ છે. માટે શિષ્યવૃત્તિ મેળવવી એ લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ થઈ ગયું છે.