હાલો મેળે... વિશ્વ વિખ્યાત તરણેતરના મેળાનો પ્રારંભ, મહાભારત સાથે છે ખાસ કનેક્શન
Tarnetar no Melo: સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિ સાથે મેળાનું વિશેષ મહત્ત્વ છે. તહેવાર અને જન્મદિવસની જેમ સૌરાષ્ટ્રના મેળાની લોકો કાગડોળે વાટ જોતા હોય છે. સુરેન્દ્રનગરના થાનગઢ સ્ટેશનથી છ માઇલ દૂર આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા જગવિખ્યાત તરણેતરના મેળાની આજથી શરુઆત થઈ ચૂકી છે. ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે 9:30થી મેળાનો આરંભ થઈ ચૂક્યો છે. આજથી સતત ત્રણ દિવસથી સુધી સૌરાષ્ટ્રમાં લોકો આ મેળાનો આનંદ માણશે. આ મેળો જોવા માટે વિદેશથી પણ પર્યટકો ખાસ આવે છે.
મેળાનું નામ લેતાં મોટા-મોટા ચકડોળ, રમકડાંની દુકાનો, અવનવી ખાણી-પીણીની દુકાનો અને માનવ મહેરામણ નજરની સામે ફરવા લાગે છે. જો કે, તરણેતરનો મેળો આ બધી વાતોની સાથે પોતાના ઇતિહાસ અને પૌરાણિક કથાઓ અને ધાર્મિક મહત્ત્વને લઈને પણ દેશ-દુનિયામાં પ્રખ્યાત છે.
મહાદેવની પૂજાથી થયો આરંભ
ભાદરવા સુદ ત્રીજથી શરુ થતાં આ મેળાનો આરંભ મહાદેવની પૂજા સાથે થાય અને મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. ત્યારબાદ ચોથના દિવસથી મેળાની અસલ રંગત જામે છે. રાસ, ગરબા, દુહા અને છંદની રમઝટ બોલાય છે. ટીટોડી અને હુડા રાસ આ મેળાની આગવી ઓળખ છે. ભાદ્રપદ શુક્લ પક્ષની પંચમીએ અહીં ગંગા મૈયાનું અવતરણ થાય છે તેવી લોકવાયકા છે. મેળાના છેલ્લા દિવસે મંદિરની ત્રણ દિશામાં આવેલાં કુંડમાં ન્હાવાનું ખાસ મહત્ત્વ છે. ગંગા અવતરણ આરતી બાદ પાળિયાદના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે.
આ પણ વાંચોઃ સોખડાના સાધુના આપઘાતની હકિકત છુપાવનાર 5 સાધુ વિરૂદ્ધ ફરિયાદ, પુરાવા કર્યા હતા સગેવગે
ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતી સ્પર્ધાઓ
આ વર્ષે તરણેતરના મેળામાં દર વખતની જેમ પારંપારિક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભરતગુંથણ, વેશભૂષા, છત્રી સજાવટ જેવી આશરે 24 જેવી સ્પર્ધાઓ યોજાઈ છે. આ ત્રણ દિવસના મેળામાં યોજવામાં આવેલી સ્પર્ધાઓ સમગ્ર સૌરાષ્ટ્રની ઝાંખી કરાવે છે.
જાણો મેળાનો ઇતિહાસ
થાનગઢ સ્ટેશનથી છ માઇલ દૂર આવેલા તરણેતરમાં આ મેળો ભરાય છે. જંગલમાં તરણેતરનું પ્રાચીન મંદિર છે. એમ કહેવાય છે કે વાસુકિ નાગની આ ભૂમિ છે. અહીં તરણેતર(ત્રિનેત્રેશ્વર) મહાદેવનું દસમા સૈકાનું કલાપૂર્ણ મંદિર છે. આ ભૂમિ દેવપાંચાલ તરીકે જાણીતી છે. અર્જુને અહીં મત્સ્યવેધ કરીને દ્રૌપદી સાથે લગ્ન કર્યા હતાં એવી લોકવાયકા છે.
કેવી રીતે પડ્યું ત્રિનેત્રેશ્વર નામ?
ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા આ ભૂમિ પર તપસ્યા કરી હતી તેવો સ્કંધ પુરાણમાં ઉલ્લેખ છે. પ્રચલિત લોકવાયકા મુજબ, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રી વિષ્ણુને 1001 કમળ ચડાવવાના હતા. મૂર્તિ પર એક હજાર કમળ થઈ ગયા હતા અને છેલ્લું કમળ ખૂટ્યું ત્યારે તેમણે પોતાનું જમણું નેત્ર શિવજીને અર્પણ કર્યું, ત્યારે ભગવાન શિવલિંગમાંથી પ્રગટ થયા અને વિષ્ણુનું નેત્ર લઈને પોતાના કપાળે લગાવી દીધું. ત્યારથી તેઓ ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાય. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના નામ ઉપરથી આ ગામનું નામ અપભ્રંશ થઈને તરણેતર પડ્યું છે.
કોળણ સ્ત્રીઓ મેળામાં ત્રણ તાળીના રાસ લેતી-ગાતી એક અનોખું આકર્ષણ ઊભું કરે છે. ભરવાડોના રાસમાં પણ 30થી 60 પુરુષોને એક સાથે રાસડો લેતાં જોવા એ એક આહ્લાદક દૃશ્ય છે. ભરવાડ, આહિર, રબારી અને કાઠી ઉપરાંત સ્થાનિક લોકો અને સૌરાષ્ટ્રની વિવિધ જ્ઞાતિઓના લોકો તેમના પરંપરાગત પોશાકમાં તરણેતરના મેળામાં ભાગ લે છે. રંગબેરંગી કલરના અને ભરત ભરેલા ભાતીગળ પોશાક પહેરેલા યુવાનો ભાતભાતની ભરત ભરેલી છત્રીઓ લઈને મેળામાં ફરતાં જોવા મળે છે. તો યુવતીએ રંગબેરંગી ઘેરવાળી ચણિયાચોળીમાં જોવા મળે છે.
મેળાનું અન્ય એક આકર્ષણ છે પશુઓનો મેળો.. ભાતીગળ મેળામાં વિવિધ પશુઓનું પ્રદર્શન અને હરીફાઈનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં ગીર અને કાંકરેજની ગાય, જાફરાબાદી અને બન્ની જાતિની ભેંસનું પ્રદર્શન કરવામાં આવે છે. શ્રેષ્ઠ ઓલાદના પશુને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.