Get The App

ગુજરાત રિફાઈનરી સ્કૂલમાં બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ નહીં અપાતા હોબાળો

Updated: Feb 21st, 2025


Google NewsGoogle News
ગુજરાત રિફાઈનરી  સ્કૂલમાં બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ નહીં અપાતા હોબાળો 1 - image

વડોદરાઃ તા.૨૭ ફેબુ્રઆરીથી શરુ થનારી ગુજરાત બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓના કાઉન્ટ ડાઉન વચ્ચે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટનું વિતરણ થઈ રહ્યું છે. જેમાં શહેરની ગુજરાત રિફાઈનરી ઈંગ્લિશ મિડિયમ સ્કૂલમાં આજે ચાર વિદ્યાર્થીઓને સ્કૂલ સંચાલકોએ હોલ ટિકિટ આપવાનો ઈનકાર કર્યો હોવાના પગલે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.

વાલીઓએ કહ્યું હતું કે, તાજેતરમાં સ્કૂલમાં એન્યુઅલ ડેની ઉજવણી દરમિયાન વોશરુમમાં તોડફોડ થઈ હતી.અમારા બાળકો પર સ્કૂલ સંચાલકોએ તોડફોડનો આરોપ મૂકયો છે અને ૫૦૦૦ રુપિયા દંડ ભર્યા બાદ જ હોલ ટિકિટ આપવા માટે કહ્યું છે.હકીકતમાં અમારા બાળકોની તોડફોડમાં સંડોવણી નથી.સ્કૂલ સંચાલકોએ તેના પૂરાવા પણ આપ્યા નથી કે સીસીટીવી ફૂટેજ પણ દર્શાવ્યા નથી.તેમણે આજે અમને મેસેજ મોકલીને બોલાવ્યા હતા અને અમને સ્કૂલમાં આવ્યા બાદ આ બાબતની જાણકારી થઈ હતી.સ્કૂલ આ રીતે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ આપવાનો ઈનકાર કરી શકે નહીં.બીજી તરફ સ્કૂલના સંચાલકોએ કહ્યું હતું કે, વોશરુમમાં તોડફોડના કારણે હાલમાં વોશરુમ બંધ કરવાની ફરજ પડી છે.જે વિદ્યાર્થીઓ તેમાં સંડોવાયેલા છે તેમના માતા પિતાને સ્કૂલમાં બોલાવીને અને તેમની સાથે ચર્ચા કર્યા બાદ તેમને હોલ ટિકિટ આપવાનું નક્કી કર્યું હતું.આજે એક વાલીને આ વાતની જાણ થતા તેમણે હોબાળો મચાવ્યો હતો એટલે અન્ય વાલીઓ સાથે પણ આ વાતની ચર્ચા થઈ નથી. વિદ્યાર્થીઓને હોલ ટિકિટ નહીં આપવાનો સવાલ જ નથી પરંતુ તેમને તોડફોડ અંગે જાણકારી આપ્યા બાદ જ હોલ ટિકિટ આપવાનો  સ્કૂલે નિર્ણય લીધો છે.

ફી બાકી હોવાથી સ્કૂલો હોલ ટિકિટ રોકી શકે નહીંઃ ડીઈઓ 

બોર્ડ પરીક્ષા માટે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.દરમિયાન જે વિદ્યાર્થીઓની ફી બાકી હોય તેમને હોલ ટિકિટ આપવામાં સ્કૂલો અખાડા કરી રહી હોવાની પણ બૂમો પડી રહી છે.શહેરના ચાર દરવાજા વિસ્તારની એક સ્કૂલ સામે ડીઈઓ કચેરીને ફરિયાદ મળી હતી.એ પછી ડીઈઓ કચેરીએ સ્કૂલને  વિદ્યાર્થીને હોલ ટિકિટ આપવાની ફરજ પાડી હતી.દરમિયાન ડીઈઓ મહેશ પાંડેએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, ફી બાકી હોવાના કારણે સ્કૂલો વિદ્યાર્થીઓની હોલ ટિકિટ રોકી શકે નહીં.જો કોઈ સ્કૂલ હોલ ટિકિટ રોકશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.


Google NewsGoogle News