રાજકોટમાં અસામાજિક તત્ત્વોનો આતંક: 100 રૂપિયાની માથાકૂટમાં પેટ્રોલ બોમ્બ વડે હુમલો, સીસીટીવીમાં કેદ થયા દ્રશ્યો
Rajkot Petrol Bomb Attack: કથિત રીતે સુરક્ષિત રાજ્ય કહેવાતા ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં મકરસંક્રાંતિની રાત્રે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફક્ત 100 રૂપિયા જેવડી નજીવી બાબતમાં માથાકૂટ થતાં અજાણ્યા શખસોએ પેટ્રોલ બોમ્બથી હોટેલ પર હુમલો કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
મકરસંક્રાંતિની (14 જાન્યુઆરી) રાત્રે યુનિવર્સિટી રોડ ખાતે નકળંગ ચાની હોટેલ પર અજાણ્યા શખસોએ 100 રૂપિયાની લેતીદેતી બાબતે માથાકૂટ કરી હતી. જોકે, માથાકૂટ બાદ થોડા સમય માટે તેઓ ત્યાંથી નીકળી ગયા. બાદમાં સોડાની બોટલમાં પેટ્રોલ ભરી આ પેટ્રોલ બોમ્બ બનાવ્યો અને હોટેલ પર હુમલો કરી ફરાર થઈ ગયા હતાં. હોટેલમાં પેટ્રોલ બોમ્બના હુમલાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, મોડી રાત્રે હોટેલમાં લોકોની ભીડ ઓછી હોવાના કારણે કોઈ મોટી જાનહાનિની ઘટના ટળી હતી.
આ પણ વાંચોઃ સફેદ રણ પાસે કાર હવામાં ઉછળીને ખાડામાં પડી, બાળકીનું મોત, માતા-પુત્ર ઘાયલ
પેટ્રોલ બોમ્બ ફેંકી લગાવી આગ
સમગ્ર બાબતે હોટેલના માલિક જગદીશભાઈના જણાવ્યા અનુસાર, 'આ અજાણ્યા શખસો નશામાં હતાં અને દારૂ પીધેલા હતાં. તેઓએ 50 રૂપિયા આપ્યા હતાં અને કહ્યું કે, 100 રૂપિયા આપ્યા છે. બીજા પૈસા પાછા આપવાની માંગ કરી. તો પણ માથાકૂટ ન કરે એટલે મેં 100 રૂપિયા આપી દીધા. છતાં તેઓએ ત્યાં હાજર અન્ય વ્યક્તિઓને ચાકુ જેવા તીક્ષ્ણ હથિયારો બતાવી ધમકાવ્યા અને બેફામ ગાળો દીધી હતી. ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી ગયાં અને થોડા સમય બાદ પરત ફરી સોડાની બોટલમાં પેટ્રોલ ભરી તેમાં આગ ચાંપી હોટેલ પર ફેંકી હતી. જોકે, આ સમય દરમિયાન હોટલમાં ઓછા લોકો હતાં તેથી આ પેટ્રોલ બોમ્બથી કોઈને જાનહાનિ નથી થઈ, પરંતુ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
આ પણ વાંચોઃ જામનગરના ધ્રોલમાં પલટી ખાઈ જતાં કારનો કચ્ચરઘાણ, 3નાં ઘટનાસ્થળે જ મોત, 2 ગંભીર
ઘટનાના 24 કલાક બાદ પણ આરોપી ફરાર
સમગ્ર બાબતે હોટેલના માલિકે પોલીસ સ્ટેશનમાં આ અસામાજિક તત્વો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં દરમિયાન સ્થળ પરથી બે પેટ્રોલ બોમ્બ મળી આવ્યા હતાં. જેને પોલીસે કબજે કરી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજમાં ચાર શખસ બોમ્બ બનાવી ફેંકતા જોવા મળ્યા હતાં. સોડાની બોટલમાં પોણી બોટલ જેટલું પેટ્રોલ ભરી તેમાં રૂની વાટ જેવું કંઈક લગાડવામાં આવ્યું હતું, બાદમાં તેને સળગાવી બે શખસ દોડીને આવ્યા અને આ પેટ્રોલ બોમ્બને હોટેલ પર ઘા કર્યા હતાં. પેટ્રોલની બોટેલ જમીન પર પટકાતા જ ધડાકાભેર આગ ભભૂકી ઉઠી હતી. નોંધનીય છે કે, ઘટનાને 24 કલાક ઉપર વીતી ગયા હોવા છતાં પોલીસ આરોપીઓની ઓળખ કરી તેમને પકડી શકી નથી. બનાવ બન્યો ત્યારથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.